સોલા સિવિલનાં સુપ્રિટેન્ડેન્ટ સહિત બે અધિકારી ૮ લાખની લાંચ લેતા ઝડપાયા

મીરઝાપુર કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
(પ્રતિનિધિ)અમદાવાદ, કોરોનાકાળમાં એક તરફ સરકાર દ્વારા નાગરીકોને રાહત મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. બીજી કેટલાંક લાંચીયા અધિકારીઓ આ “આફતને પણ અવસર”માં બદલી રહ્યાં છે. ત્યારે સોલા સિવિલમાં કોરોનાનાં દર્દીઓને ચા-નાસ્તો અને જમવાનું પુરૂ પાડનાર કોન્ટ્રાક્ટર પાસે તેનું બિલ મંજુર કરવા માટે રૂપિયા આઠ લાખની લાંચ લેતાં સુપ્રિટેન્ડેન્ટ તથા મેડીકલ ઓફીસરને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં છે.
ઘટનાની વિગત એવી છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પાણી તેમજ સ્ટાફ માટે ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પુરૂ પાડનાર કોન્ટ્રાક્ટરે ચાર માસનું રૂપિયા ૧.૧૮ કરોડનું બિલ મંજૂર કરવા માટે મુક્યું હતું. જાે કે ઈન્ચાર્જ આરએમઓ અને સુપ્રિટેન્ડેન્ટ ઊપેન્દ્રભાઈ પટેલ અને ઈન્ચાર્જ વહીવટી અધિકારી શૈલેષભાઈ પટેલે પહેલાં ૩૦ ટકા લાંચ માંગી હતી. જે રકઝકનો અંતે ૧૬ ટકા લેખે ૧૬ લાખ રૂપિયા નક્કી કરવામાં આવતાં કોન્ટ્રાક્ટરે રૂપિયા દસ લાખ ચૂકવી દીધા હતા.
બાદમાં કેન્ટીનનું ઓર્ડર ત્રણ વર્ષ માટે મંજુર કરવા વધુ બે લાખની રકમ માંગતા કુલ આઠ લાખ રૂપિયાની લાંચ લેવા માટે બંને સુપ્રિટેન્ડેન્ટની ઓફીસ સામે વેઈટીંગ રૂમમાં હતા ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ કોન્ટ્રાક્ટર પાસેથી આઠ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. એસીબીએ નિયમનુસાર બંનેનો કોરોના ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને બંનેને મીરઝાપુર કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.