સોલા સિવિલમાં સપ્તાહમાં ડેન્ગ્યુના નવા ૯પ, ચિકનગુનિયાના ૩૦ પોઝીટીવ કેસ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે. ઘેર ઘેર માંદગીના ખાટલા જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. સરકારી હોસ્પીટલોથી માંડીને ખાનગી હોસ્પીટલોની ઓપીડી રોગચાળાના દર્દીઓથી ઉભરાઈ રહી છે.
શહેરના નાના મોટા ક્લિનિકોમાં પણ આ જ સ્થિતિ છે. એસ.જી.હાઈવે સ્થિત સોલા સિવિલ હોસ્પીટલમાં ર૯મી ઓગષ્ટથી પાંચમી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના નવા ૮પ પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે ચિકનગુનિયાના ૩૦ અને મેલેરિયાના ૧૭ કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં અમદાવાદ જીલ્લામાંથી પણ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છેે.
સોલા સિવિલ હોસ્પીટલના આર .એમ.ઓ. ડો.પ્રદિપ પટેલે જણાવ્યુ હતુ કે સોલા સિવિલ હોસ્પીટલમાં ગત ર૯મી ઓગષ્ટથી પાંચમી સપ્ટેમ્બર એમ અઠવાડીયા માં મેલેરિયાના ૭ર૦ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી ૧૩ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. એ જ રીતે ડેન્ગ્યુના ૩૪૦ જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી ૯પ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્ય્ છે.
તદુપરાંત ચિકન ગુનિયાના ૧૪પ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાથી ૩૦ના રીપોર્ટ પોઝીટીવ જણાયા હતા.
બીજી તરફ અસારવા સિવિલ હોસ્પીટલના સુત્રો કહે છે કે સિવિલમાં સપ્ટેમ્બર મહિનાના પાંચ જ દિવસમાં ડેગ્યુના પર અને ચિકન ગુનિયાના ૧પ જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત હિપેટાઈટીસના ૩૭ જેટલા કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પીટલમાં ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના કારણે કુલ બે દર્દીઓના મોત થયા છે.
સોલા સિવિલના સુત્રોના જણાવ્યા અનુસાર રોગચાળામાં કોઈ મોત નોંધાયુ નથી. જ્યારે શહેરની ૩૦ જેટલી ખાનગી હોસ્પીટલોમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિતના રોગના કારણે ૧૭ જેટલા દર્દીઓના મોત થયા છે. આમ, અત્યાર સુધીમાં ૧૯ દર્દીઓના રોગચાળામાં મોત થયા છે.