સોલા સીવીલ હોસ્પિટલને ફાયર એનઓસી મામલે નોટિસ
હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોલેજ-હોસ્ટેલને પણ નોટિસ ફટકારી
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરના નવરંગપુરા વિસ્તારની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ થયા બાદ ફાયર એન.ઓ.સી.મામલે ચાલતી લાલિયાવાડી સામે જનઆક્રોશ જાેવા મળ્યો હતો. દર્દીઓ પાસેથી તગડી ફી વસુલ કરતી ખાનગી હોસ્પિટલો ફાયર સેફ્ટી મામલે રેઢિયાળ છે તે બાબત અનેક વખત પૂરવાર થઈ છે. પરંતુ સરકારી તંત્ર દ્વારા પણ નાગરીકોની જીંદગીની દરકાર કરવામાં આવતી નથી. શહેરની સોલા સિવીલ હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટી ઉપલબ્ધ નથી. જેના માટે મ્યુનિ.ફાયર વિભાગ દ્વારા સોલા સીવીલ હોસ્પિટલને નોટિસ ઈશ્યુ કરવામાં હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
અમદાવાદ શહેરની હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક વખત આદેશ આપવામાં આવ્યા છે. તેમ છતાં ફાયર સેફ્ટી એક્ટનો પૂર્ણ અમલ થતો નથી. રહેણાંક અને કોમર્શીયલ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધન લગાવવામાં આવતા નથી. જેના કારણે જ તક્ષશીલા અને શ્રેય હોસ્પિટલ જેવી દુર્ઘટનાઓ થઈ છે. ખાનગી હોસ્પિટલ અને ટ્યુશન કલાસીસના માલિકો રૂપિયા કમાવવા માટે નાગરીકોની જીંદગી સાથે ચેડાં કરી રહ્યા છે. પરંતુ સરકારનો ઉદ્દેશ તો માત્ર સેવાનો હોવા છતાં ફાયર સુવિધા મામલે બેદરકારી જાેવા મળે છે. સોલામાં આવેલી સીવીલ હોસ્પિટલ તથા હોસ્ટેલમાં ફાયર સુવિધાનો સંપૂર્ણ અભાવ છે.
શ્રેય હોસ્પિટલ દુર્ઘટના બાદ સજાગ થયેલા ફાયર વિભાગ દ્વારા સોલા સીવીલમાં ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતાં. સીવીલ હોસ્પિટલમાં ફાયર સુવિધા ન હોવાથી ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ૩ ઓક્ટોબરે થલતેજ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફીસર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં ફાયર એન.ઓ.સી. રિન્યુ કરાવવામાં આવી ન હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત હોસ્પિટલમાં ફાયર પમ્પ, હાઈડ્રન્ટ ડોઝીયર ફાયર એલાર્મ કાર્યરત ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. હવે હોસ્પિટલની સાથે સાથે જી.એમ.ઈ.આર.એસ.કોલેજને પણ ફાયર એન.ઓ.સી. મામલે નોટીસ આપવામાં આવી છે.
મ્યુનિ.ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવ્યા બાદ સોલા સીવીલ હોસ્પિટલના મદદનીશ ઈજનેર દ્વારા લેખિત જવાબ કરવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ફાયરની કામગીરી માટે મહેસાણાની એજન્સી સાથે પાંચ વર્ષા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ફાયર કામ ચાલી રહ્યું છે. જેને પૂર્ણ થવામાં ત્રણ મહિનાનો સમય થઈ શકે છે. જે પૂર્ણ થયા બાદ એનઓસી માટે હોસ્પિટલ દ્વારા અરજી કરવામાં આવશે. હોસ્પિટલ મદદનીશ ઈજનેરના પત્રથી એ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે શ્રેય હોસ્પિટલની દુર્ઘટના બાદ હોસ્પિટલ સત્તાવાળા સફાળા જાગ્યા છે તથા ફાયરની કામગીરી શરૂ કરી છે.
શહેરમાં ૨૦૨૨ હોસ્પિટલો છે. જે પૈકી ૭૦૦ હોસ્પિટલોમાં ફાયર એનઓસી નથી. શહેરના પશ્ચિમ ઝોનમાં લાઈફ કેર ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ એન્ડ રીસર્ચ, યુરોકેર ક્લીનીક, કેન્સર એસોસીએટ, કીડની ડીસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફાઉન્ડેશન, રીધમ હોસ્પિટલ એન્ડ ડાયગ્નોસ્ટીક સેન્ટર, ગુજરાત કીડની ફાઉન્ડેશન ઓરોમા ઓર્થાેપેડીક એન્ડ જાેઈન્ટ રીપ્લેસમેન્ટ, સ્તવ્ય સ્પાઈન હોસ્પિટલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ જેવી ખ્યાતનામ હોસ્પિટલોમાં પણ ફાયર એનઓસી નથી.