સોશિયલ મિડીયાની પોસ્ટ ભારે પડીઃ 40ની ધરપકડ
સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે હુબલીમાં થયેલો હંગામો-પોલીસની ગાડીઓ, હોસ્પિટલ અને એક ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું તથા કેટલાક પોલીસકર્મીઓને ઘાયલ
નવી દિલ્હી, કર્ણાટકના જૂના હુબલી શહેરમાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને મોટી સંખ્યામાં લોકોએ કથિત રીતે હંગામો મચાવ્યો. તેમણે પોલીસની ગાડીઓ, નજીક આવેલી એક હોસ્પિટલ અને એક ધાર્મિક સ્થળને નુકસાન પહોંચાડ્યું તથા કેટલાક પોલીસકર્મીઓને ઘાયલ કર્યા. પોલીસે જણાવ્યું કે હુબલી શહેરમાં કલમ ૧૪૪ લાગૂ કરાઈ છે.
હુબલી ધારવાડના પોલીસ કમિશનર લાભુરામે પત્રકારોને કહ્યું કે લગભગ ૪૦ લોકોની ધરપકડ કરાઈ છે. ડ્યૂટી પર તૈનાત ૧૨ જેટલા અધિકારીઓ ઘાયલ થયા છે અને કેટલાક પોલીસ વાહનોને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે અમે તમામ સુરક્ષા પગલાં લીધા છે. જેથી કરીને આવું ફરી ન બને.
જેમણે કાયદો હાથમાં લીધો છે તેમને છોડીશું નહીં.’ પોલીસ કમિશનરે જણાવ્યું કે કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી જેના પર અન્ય લોકોએ આપત્તિ જતાવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ એક મામલો નોંધીને તે વ્યક્તિની ધરપકડ કરાઈ.
તેમણે જણાવ્યું કે કાર્યવાહીથી સંતુષ્ટ ન થતા કેટલાક લોકો પોલીસ મથક પાસે ભેગા થવા લાગ્યા. તેમને સમજાવવામાં આવ્યા અને ત્યારબાદ હટાવી દેવાયા. અધિકારીએ જણાવ્યું કે ગત મોડી રાતે ફરી એકવાર મોટી સંખ્યામાં લોકો પોલીસ મથક પાસે ભેગા થવા લાગ્યા. જેના પર તે લોકોના નેતાઓને પોલીસ મથક બોલાવવામાં આવ્યા અને કરવામાં આવેલી કાર્યવાહી વિશે તેમને માહિતગાર કરાયા.
પોલીસ કમિશનરના જણાવ્યાં મુજબ પોલીસ મથક બહાર ભેગી થયેલી ભીડ તેમની વાત સાંભળવા તૈયાર જ નહતી અને તેઓ ઉગ્ર થઈ ગયા. તેમણે જણાવ્યું કે ભીડે પથ્થરમારો કરીને પોલીસની કેટલીક ગાડીઓને નુકસાન પહોંચાડ્યું, નવા બનેલા વિજયનગર જિલ્લાના જિલ્લા મુખ્યાલય શહેર હોસપેટમાં પત્રકારો સાથે વાતચીતમાં રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ કહ્યું કે એક પોલીસ અધિકારીની હાલત ગંભીર છે. હુમલામાં સામેલ કેટલાક લોકોની ધરપકડ કરી લેવાઈ છે. આ પૂર્વ નિયોજિત હુમલો હતો.
હુબલીમાં ઉપદ્રવી દેવરા જીવનહલ્લી અને કડુગોન્ડાહલ્લી જેવી ઘટનાઓને અંજામ આપવા માંગતા હતા. ગૃહમંત્રી બેંગલુરુમાં ૨૦૨૦માં થયેલી હિંસાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
જ્યાં સોશિયલ મીડિયા પોસ્ટને લઈને લગભગ ચાર હજાર ઉપદ્રવીઓએ બેંગલુરુમાં પુલકેશી નગર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ વિધાયક આર અખંડ શ્રીનિવાસ મૂર્તિ અને તેમના બહેનના ઘરમાં આગ લગાવી હતી. હુબલીની ઘટના પર પ્રતિક્રિયા આપતા ભાજપના વરિષ્ઠ નેતા બસનગૌડા પાટિલ યતનાલે માંગણી કરી કે સરકારે ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જાેઈએ.