Western Times News

Gujarati News

સોશિયલ મીડિયાથી ગેરમાર્ગે દોરવાયેલી બંને કિશોરીઓ મિત્રને મળવા છેક વડોદરા દોડી આવી

social media addiction

પ્રતિકાત્મક

જ્યારે રાત્રીના સમયે સુરત જિલ્લાના માંડવીની બે સગીરાઓ અભયમની ટીમને મળી

અભયમ ટીમે સમજાવી અને માર્ગદર્શન આપી પોલીસ તંત્રની મદદથી બંને માસૂમને હેમખેમ પરિવાર ભેગી કરી ..

વડોદરા, ગઈકાલે મોડી રાત્રે મહિલા સુરક્ષા હેલ્પ લાઇન અભયમની ટીમને શહેરના કાળાઘોડા સર્કલ પાસે બે કિશોરીઓ અને એક કિશોર શંકાસ્પદ હાલતમાં મળી આવતાં,સમય સૂચકતા દાખવીને કરેલી તપાસ અને કાર્યવાહી થી ત્રણેયનો કોઈ સંભવિત કમનસીબ ઘટનામાં થી બચાવ થયો હતો.

આ બનાવમાં સોશિયલ મીડિયાના ઊંડા પ્રભાવથી તરુણો કેવા ગેરમાર્ગે દોરવાય છે અને અવિચારી પગલું ભરે છે તેનું સચોટ ઉદાહરણ જોવા મળે છે જે સમાજ અને પરિવારો માટે ચેતવણી જનક છે અને વાલીઓને સાવધ રહેવાની ટકોર કરે છે.

અભયમ ની ટીમ એક કેસની કાર્યવાહી પૂરી કરી પરત ફરી રહી હતી ત્યારે ૧૪ વર્ષની ઉંમરની બે કિશોરીઓ અને ૧૭ વર્ષની ઉંમરનો કિશોર મોડી રાત્રે કાળા ઘોડા પાસે મળી આવતાં, સતર્કતા સાથે તેમની પૂછપરછ કરી હતી.

આ લોકોએ પોતે પિતરાઈ ભાઈબહેનો હોવાનો દેખાવ કરીને આ ટીમના સદસ્યો ને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કિશોરના પરિવારનો મોબાઈલ પર ટીમ દ્વારા સંપર્ક કરાતા આ તરુણો ગેર માર્ગે દોરવાઈ ઘર છોડીને વડોદરામાં ભેગા થયાં હોવાનું ફલિત થયું હતું.

હકીકતમાં આ લોકો છેલ્લા એકાદ વર્ષથી ઈન્સ્ટાગ્રામ ના માધ્યમ થી પરસ્પર ના સંપર્કમાં હતા.આ વાતની કિશોરીઓના પરિવારમાં જાણ થતાં ઠપકો પણ મળ્યો હતો.આખરે લગ્નમાં જવાનું બહાનું બનાવી કિશોરીઓ એ ઘર છોડ્યું હતું અને કિશોર પણ તેમને લેવા દાહોદથી વડોદરા આવી ગયો હતો. પરંતુ અભયમ ટીમની સતર્ક નજરે તેઓ ચઢી જતાં સમજાવટથી તેમને ગેર માર્ગે જતાં બચાવી લીધાં હતા.

અભયમ કો ઓર્ડીનેટરે જણાવ્યું કે આ લોકોએ પોતાની મેળે ઘેર પરત ફરવાની તત્પરતા દર્શાવી હતી પણ અમે કોઈ જોખમ લેવા માંગતા ન હતા.તેથી તેમના પરિવારોનો સંપર્ક કરી તેમને ઘટના ક્રમ થી વાકેફ કર્યા હતા.

કિશોરીઓ ને નર્મદા અને સુરત અભયમ ટીમોની મદદ થી માંડવી પોલીસ સ્ટેશન ખાતે તેમના પરિવારોને બોલાવી હેમખેમ સોંપતા, પરિવારોએ ગદગદિત હૃદયે સૌ નો આભાર માન્યો હતો.કિશોરને તેના પરિવારની સૂચના પ્રમાણે વડોદરા ખાતે રહેતા સંબંધીના હવાલે કરવામાં આવ્યો હતો.

ત્રણેય ને હાલ આ ઉંમરે ભણતર પર ધ્યાન આપવા સમજણ આપી હતી.આમ, અભયમ ટીમની સતર્કતાએ આ કિશોર – કિશોરીઓને સંભવિત દુર્ઘટનામાં થી ઉગારી લીધાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.