સોશિયલ મીડિયાથી મિત્રતા થતા યુવક લટ્ટુ બની ગયો
અમદાવાદ: સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ ક્યારેક મુશ્કેલીને આમંત્રણ આપે છે. અત્યાર સુધીમાં આવા અનેક બનાવો પ્રકાશમાં આવ્યા હોવા છતાં હજી પણ કેટલાક લોકો છે કે જે સબક મેળવી રહ્યા નથી. શહેરના ઠક્કર બાપાનગર વિસ્તારમાં સિશિયલ મીડિયા મારફતે મિત્રતા કરવી યુવતીને ભારે પડી છે.
ઠક્કરબાપા નગર વિસ્તારમાં રહેતી યુવતીએ ફરિયાદ દાખલ કરાવી છે કે, એક વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે તે ખેડાના વિજય પંડયા નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. બાદમાં બંને સારા મિત્ર હતા. જોકે, વિજયે યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાની વાત કરતા યુવતીને યોગ્ય ના લાગતા,
તેણે વિજયને તેની સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. અને તેનો પીછો કરવાની પણ ના કહી દીધી હતી. જોકે, છેલ્લા વીસેક દિવસ વિજય પંડ્યા ઠક્કરનગર વિસ્તારમાં જ્યારે યુવતી નોકરી પર જાય અને ઘરે આવે ત્યારે તેનો પીછો કરતો હતો. એટલું જ નહિ વિજય યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાની પણ વાતો કરી ને અવાર નવર છેડતી કરતો હતો. યુવતી એ ના પાડતા જ આરોપી તેના ઘરે જઈ યુવતીના પિતાને બીભત્સ ગાળો આપીને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. અને કહ્યું હતું કે હું તમારી દીકરી ને પ્રેમ કરું છું,
તમારે જે કરવું હોય તે કરી લો. જોકે, ગઇકાલે બપોરના સમયે આરોપી યુવતીના ઘરે પહોંચી તેને મળવાની જીદ કરતા યુવતી તેને નરોડા દેવી સિનેમા પાસે લઈ ગઈ હતી. અને ત્યારબાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન લઈ જઈને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસ એ યુવતીની ફરિયાદ નોંધી ને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.