સોશીયલ મિડીયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતાં રાષ્ટ્રિય મહિલા આયોગ
રાજપીપલા : રાષ્ટ્રિય મહિલા આયોગના દ્વારા દેશના વિવિધ રાજયોના મહિલા આયોગ સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડીયા કોલોની ખાતે યોજાયેલી એક દિવસીય આંતર સંવાદ બેઠકને રાષ્ટ્રિય મહિલા આયોગના ચેર-પરસન શ્રીમતી રેખા શર્માએ ખૂલ્લી મૂકી હતી. આ અવસરે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યો સુશ્રી સોસો શઇઝા, સુશ્રી ચંદ્રમુખી દેવી અને શ્રી કમલેશ ગૌતમ તેમજ સભ્ય સચિવ સુશ્રી મિનાક્ષી ગુપ્તા ઉપરાંત ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલીયા અને સભ્ય સચિવ શ્રીમતી વિણાબેન પટેલે પણ ઉપસ્થિત રહીને આ બેઠકમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રિય મહિલા આયોગના ચેર-પરસન શ્રીમતી રેખા શર્માએ તમામ રાજય મહિલા આયોગના પદાધિકારીઓને સમયાંતરે મહિલા કલ્યાણની પોતાની કામગીરીના અનુભવોનું પરસ્પર આદાન-પ્રદાન કરવા, એક બીજાની ઉત્તમ કામગીરીનો પરસ્પર વિનિયોગ કરવા અને અન્ય રાજયોના આયોગોની પ્રભાવશાળી અને પહેલરૂપ પરંપરાઓને અપનાવીને પોતાની કામગીરી સશકત બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ફરીયાદી મહિલાઓની આયોગ સુધીની પહોંચ સુલભ અને સરળ બને તે માટે સોશીયલ મિડીયાની ટવીટર, ફેશબુક, વોટસએપ વગેરે જેવી વિદ્યાઓનો ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરી હતી.
આજની આંતર સંવાદ બેઠકના વિવિધ સત્રોમાં માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી, કાયદાઓ હેઠળ માતાના વાલીપણના અધિકારો, વિવિધ ઘટનાઓ મુદૃાઓમાં રાજય મહિલા આયોગોએ અપનાવેલી કાર્યપધ્ધતિ અને સ્વયંભૂ-સ્યુઓમોટો પહેલ, નારી સંરક્ષણ ગૃહોની સમયાંતરે મુલાકાત લેવાની આવશ્યકતા વગેરે જેવી બાબતોનો પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
વધુમાં શ્રીમતી રેખા શર્માએ માસિક ચક્ર દરમિયાન સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી સંદર્ભે દેશના તમામ રાજય મહિલા આયોગોને ઉકત હેતુ સિધ્ધ કરવા માટે દરેક જિલ્લા-ગામ અને શાળાઓમાં આ અંગેની જાગૃત્તિ કેળવવા માટે ટ્રેનર્સની નિયુકિત કરવાનુ પણ સુચન કર્યુ હતું.