સૌથી મોટા સિવિલ પ્રોજેક્ટ માટે ૨૪૦૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ
નવી દિલ્હી: બુલેટ ટ્રેન માટેનું કામકાજ હવે થોડા જ દિવસોમાં શરુ થવાનું છે. તેના માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સરકારી ફંડથી બનનારા દેશના સૌથી મોટા સિવિલ પ્રોજેક્ટ માટે ૨૪,૦૦૦ કરોડ રુપિયાનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટીને આપી દીધો છે. બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવાની છે. એલ એન્ડ ટીને ૩૨૫ કિલોમીટર લાંબો કોરિડોર બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયો છે. મહારાષ્ટ્રમાં જમીન સંપાદન હજુય ડખામાં પડ્યું છે, ત્યારે તેના પૂર્ણ થવાની રાહ જોવાના બદલે સરકારે ગુજરાતમાં તેનું કામકાજ શરુ કરવા માટે પરવાનગી આપી દીધી છે.
જાપાનના ભારત ખાતેના રાજદૂત સાતોશી સુઝુકીએ આ અંગે જણાવ્યું હતું કે આર્થિક પ્રવૃત્તિઓને ધમધમતી કરવાનું હાલના સમયમાં ખૂબ જ જરુરી છે ત્યારે આટલા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મંજૂરી આપવી ખૂબ જ મહત્વની વાત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ન માત્ર જાપાનીઝ ટેક્નોલોજી ભારતમાં આવશે,
પરંતુ કોરિડોરની આસપાસના વિસ્તારોની પણ સ્થિતિ સુધરશે. રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન વીકે યાદવે આ મામલે જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દેશના અન્ય ભાગોમાં પણ બુલેટ ટ્રેન શરુ કરાશે, અને તેના માટે સાત રુટની પસંદગી કરવામાં આવી છે. બુલેટ ટ્રેનના અબજોના પ્રોજેક્ટથી ના માત્ર એન્જિનિયર્સ, ટેક્નિશિયન, ડિઝાઈનર અને આર્કિટેક્ટ્સને નોકરી મળશે, પરંતુ તેનાથી અર્ધકુશળ કામદારો અને કન્સ્ટ્રક્શન વર્કર્સને પણ રોજગારી મળી રહેશે.