સૌથી વધુ ટ્રાફિકવાળા વિશ્વનાં ટોચના પાંચ શહેરોમાં મુંબઇ સામેલ

મુંબઇ, સૌથી વધુ પ્રમાણમાં ટ્રાફિક કંજેશન (વાહનોનો ભરાવો-ગીચતા) ધરાવતાં વિશ્વનાં શહેરોની યાદીમાં મુંબઇ ૨૦૨૦માં ચોથા ક્રમે હતું. પરંતુ કોવિડની શરૂઆત પહેલાંના ૨૦૧૯ના ટ્રાફિક કંજેશનના પ્રમાણની સરખામણીએ સરેરાશ ૧૮ ટકાનો તથા સવાર અને સાંજના ધસારાના સમયે અનુક્રમે સરેરાશ ૨૯ અને ૨૩ ટકા ઘટાડો થવા સાથે ૨૦૨૧માં આ મહાનગરે વૈશ્વિક યાદીમાં પાંચમો ક્રમ મેળવ્યો છે. એમ તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા એક આંતરરાષ્ટ્રીય કંજેશન રીપોર્ટમાં જણાવાયું હતું.
વાહનોના ભરાવાના પ્રમાણમાં ઘટાડો થયો હોવા છતાં ભારતનાં ચાર શહેરો ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્શની વિશ્વનાં ટોચના ક્રમના ૨૫ શહેરોની યાદીમાં સ્થાન પામ્યાં છે. આ શહેરોમાં મુંબઇ (પાંચમો ક્રમ) બેંગાલુરૂ (દસ) નવી દિલ્હી (૧૧) તથા પુણે (૨૧મો ક્રમ)નો સમાવેશ થાય છે.
ટ્રાફિકની ગીચતા વિશેના આ અભ્યાસમાં વધુમાં જણાવાયું હતું કે ૨૦૨૧ના ચોમાસામાં તથા તહેવારો- ઉત્સવો દરમિયાન મુંબઇમાં સૌથી વધુ ખરાબ ટ્રાફિકનો ભરાવો જાેવા મળ્યો હતો. આ વર્ષે ચોમાસામાં રોડ પર ઠેરઠેર પાણી ભરાઇ જતાં વાહનોની કતારજામી ગઇ હતી.
મુંબઇનાં એક ટ્રાફિક નિષ્ણાતે જણાવ્યું હતું કે કોવિડ નિયંત્રણોને કારણે બિનજરૂરી સેવાઓ માટે લોકલ ટ્રેનના પ્રવાસ પર પ્રતિબંધ હતો તે દરમિયાન અનેક લોકો મોટર માર્ગે પ્રવાસ કરતા હતા. ૨૦૨૧માં મુંબઇમાં કંજેશનનું પ્રમાણ ગયા વર્ષ જેટલું જ ૫૩ ટકાનું નોંધાયું હતું. પરંતુ ૨૦૧૯ની તુલનાએ સર્વસામાન્ય સમય અને ધસારાના સમયના ટ્રાફિક વચ્ચેના તફાવતમાં ૨૨ ટકાનો ઘટાડો થયો હતો.HS