Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રનાં તમામ એરપોર્ટ બે દિવસ બંધ

અમદાવાદ,  સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની દહેશત અને બુધવારે તેની આગોતરી અસરને પગલે દોડતા થયેલા સરકારી તંત્ર અને એરપોર્ટ ઓથોરીટી દ્વારા સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ બે દિવસ પૂરતા બંધ રાખવાનો બહુ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્રના જામનગર, દીવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટ બે દિવસ માટે હવે બંધ રહશે.

બીજીબાજુ, વાયુ વાવાઝોડાના કારણે કચ્છથી લઇ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાંથી હજારો લોકોનું સહીસલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ગઇકાલ સાંજથી લઇ આજે સમગ્ર દિવસ દરમ્યાન દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અઢી લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં સમગ્ર તંત્ર એકમદ હાઇએલર્ટ પર છે તો, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, નૌકાદળ સહિતની સુરક્ષા ટીમો સ્ટેન્ડ ટુ પર રખાઇ છે.

વાયુ વાવાઝોડાની અસરને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં આવેલા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમદાવાદ મુંબઈ વચ્ચેની કેટલીક ફ્‌લાઇટો પણ રદ્દ કરવામાં આવી છે. બુધવારે ફ્‌લાઇટો રદ કરવાને મામલે એરપોર્ટ ઓથોરિટી અને હવામાન વિભાગ વચ્ચે એક બેઠક મળી હતી. જે બાદમાં ફ્‌લાઇટો રદ કરવાને લઈને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ સૌરાષ્ટ્રના અનેક માર્કેટીંગ યાર્ડો પણ બે દિવસ માટે બંધ રાખવામાં આવશે. રાજકોટ અને ગોંડલ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે.

બીજીબાજુ, એસટી કર્મચારીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના જામનગર, દીવ, કંડલા, પોરબંદર, રાજકોટ સહિતના એરપોર્ટને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ પર આવતી ફ્‌લાઇટોને અમદાવાદ અને મુંબઈમાં ડાયવર્ટ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાયુ વાવાઝોડાના પગલે આજે સાંજે ૬ વાગ્યાથી તા.૧૪ જુન સુધી વેરાવળ-ઓખા-પોરબંદર અને ભાવનગર-ભુજ-ગાંધીધામ જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

તમામ પેસેન્જર્સ અને એક્સપ્રેસ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડા પગલે રાજકોટ અને ગોંડલના માર્કેટિગ યાર્ડ દ્વારા બે દિવસની રજા રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અન્ય માર્કટિંગ યાર્ડ પણ બંધ રાખવાની કડક તાકીદ કરાઇ છે. વાયુ વાવાઝોડાને પગલે એસટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે એસટીના તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. દરિયાકાંઠા સહિત તમામ ૧૨૫ ડેપો પર ડ્રાઇવર કંડક્ટર સ્ટાફને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. તમામ ડેપો પર વધારાની ૨૫-૨૫ બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એસ.ટી. નિગમના કંટ્રોલ રૂમ પરથી તમામ ગતિવિધિઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. એસટીની ૮,૩૦૦ બસોનું જીપીએસથી લાઈવ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.