સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાન: એરફોર્સનું રેસક્યૂ ઓપરેશન
જામનગર-રાજકોટમાં વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત
ગુજરાતમાં જળતાંડવ ટળ્યું નથીઃ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ,અમદાવાદ અને દ.ગુજરાતના માથે પણ સંકટ
જામનગર, જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૨૪ જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં ભારે વરસાદના કારણે મુશ્કેલીના સમયે મદદ માટે લોકો આપદા પ્રબંધન કેન્દ્ર ખાતે સંપર્ક કરી શકે તે માટે નંબર જાહેર કરવામાં આવ્યા છે.
જામનગરના વિવિધ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. જેમાં કુલ ૨૪ જેટલા લોકોને એરલિફ્ટ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તેમજ ભારે વરસાદના કારણે જિલ્લાના કુલ ત્રણ સ્ટેટ હાઇવે અને એક નેશનલ હાઈવે અસરગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.
જેમાં માળીયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (કેશીયા ગામ પાસે), જાેડીયા તેમજ રાજકોટ-જામનગર સ્ટેટ હાઇવે (ધુંવાવ, ખીજડીયા ગામ પાસે), જામનગર ગ્રામ્ય અને માળિયા-આમરણ-જાંબુડા સ્ટેટ હાઇવે (ખીરી,બાલાચડી ગામ પાસે) અસરગ્રસ્ત થયો છે.
જ્યારે જાેડીયા તેમજ જામનગર-કાલાવડ-ધોરાજી નેશનલ હાઈવે (વિજરખી ગામ પાસે) અસરગ્રસ્ત થયો છે. તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તાની આવશ્યક વ્યવસ્થા કરવામાં આવી છે.
તો બીજી તરફ જામનગર તાલુકાના જામવંથલી અને ચાવડા ગામ વચ્ચે પાણીમાં ફસાયેલી એક એસ.ટી. મીનીબસ અને ધુડશિયા ગામે પાણીમાં ફસાયેલી ૧ એસ.ટી બસને સ્થાનિકો દ્વારા સલામત જગ્યાએ ખસેડી લેવામાં આવી છે.
હાલમાં ડેમની સ્થિતિ જાેવામાં આવે તો, જામનગર જિલ્લામાં આવેલ કુલ ૧૮ જળાશયો પૈકી ૧૭ જળાશયો ઓવરફલો થયા છે. જામનગરમાં ભારે વરસાદે તારાજી સર્જી છે વરસાદને કારણે ત્રણ વ્યકિતઓના સત્તાવાર મૃત જાહેર કરાયા છે. સમાણા ગામ નજીક કાર તણાઈ જતા દંપતિનું મૃત્યુ થયું છે જ્યારે જાેડિયામાં ત્રણ વર્ષના બાળકનું પણ મૃત્યુ થયું છે.
આ તરફ જામનગરમાં ધ્રોલના વોકળામાં ડૂબી જતા યુવકનું મોત નિપજ્યું છે, આમ કુલ અતિવૃષ્ટિને કારણે મોતનો આંક ચાર પર પહોંચ્યો છે. ભારે વરસાદેને કારણે અનેક પશુઓના પણ મોત નિપજ્યા છે. તો વીજ પોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
ફરી વીજ પુરવઠો શરૂ થતા અંદાજીત ૧૨ કલાકનો સમય લાગી શકે છે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. જામનગરના આલિયા બાડા ગામમાં ૨૦ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાતા ગામને જાેડતા પુલ પણ તૂટી ગયો હતો જેથી આલિયા ગામ સહિત અનેક ગામો સંપર્ક વિહોણું બન્યું છે. જામનગર શહેર સહિત જિલ્લામાંથી ૩ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે.
જ્યારે રોડ રસ્તા તૂટવાથી ૩૨ થી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. સૌરાષ્ટ્રનાં સાત જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.