Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાં સાથે ઝાપટાં પડ્યા

ગુજરાત રાજ્યમાં ૧૫થી ૨૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે

ગાંધીનગર: રાજ્યમાં ભરઉનાળામાં વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૧૫થી ૨૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

ત્યારે હાલ પ્રિમોનસૂન એક્ટિવિટીનાં કારણે ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગ પ્રમાણે, ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગિરિમથક સાપુતારા ખાતે પણ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. સાપુતારાનાં પાનધ્રો, વર્માનગર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અમરેલીનાં વડીયામાં ગઇ કાલે અડધો ઇંચ વરસાદ થયો હતેા.

જયારે અમરેલી, બાબરા, કુંકાવાવમા ઝાપટા વરસ્યા હતા. અમરેલી પંથકમા સવારથી તાપ અને બફારો અનુભવાતો હતો પરંતુ બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલીનાં કુંકાવાવ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સામાન્ય નાગરિકોએ હાશકારો અનુભવ્યો હતો. અમરેલીનાં કુંકાવાવ, અમરાપુર, નાની કુકવાવ, ઉજલા સહિતના ગામોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.

હાલ ઉનાળુ પાક તલ, બાજરી, મગ, અડદ અને મગફળી તૈયાર થવાના આરે છે. ત્યારે કમોસમી વરસાદથી આ પાકને નુકસાન પહોંચ્યું છે. ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં સેવાય રહી છે. એક તરફ વાવાઝોડાના કારણે પાકને ઘણું જ નુકસાન થયું છે ત્યારે એમા કમોસમી વરસાદથી જગતનાં તાત ચિંતામાં ગરકાવ થયો છે. ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, ૨૬ મેથી ૧ જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં ૧૫થી ૨૦ જૂન વચ્ચે ચોમાસુ બેસી જશે. આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું પણ પૂર્વાનુમાન કર્યું છે. આઈએમડીએ તે પણ કહ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બે વાર ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતાં વધારે રહ્યો હતો. તેની સરખામણીએ આ વખતે વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.