Western Times News

Gujarati News

સૌરાષ્ટ્રમાં શ્રાવણમાં ૫૦ વર્ષમાં પહેલી વખત મેળો નહીં યોજાય

File

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ દરમિયાન ૧૦૦ જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્રના પ્રિય એવા મેળાને પણ કોરોનાનું મહાસંકટ નડી શકે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળા સહિત સૌરાષ્ટ્રના ૧૦૦ જેટલા મેળાનું આયોજન ન કરવા સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ વર્ષે કોરોનાથી થતા સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા શ્રાવણ માસ દરમિયાન થતા મેળા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી શકયતા છે. રાંધણ છઠ થી શરૂ થતાં ૫ દિવસીય આ લોક મેળામાં કુલ ૧૦ લાખ જેટલી જનમેદની સૌરાષ્ટ્રભરમાંથી આવતી હોય છે, જેને ધ્યાનમાં રાખી અને કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ લોકમેળાનું ઉદઘાટન રાંધણ છઠના દિવસે કરવામાં આવે છે અને ત્યારથી ૫ દિવસ વિધિવત રીતે આ મેળો ખુલ્લો મુકવામાં આવતો હોય છે. આ મેળામાં નાના બાળકોથી લઈ મોટેરા અને વૃદ્ધો મજા માણવા આવતા હોય છે. દર વર્ષે અલગ અલગ થીમ આધારિત મેળાનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવતું હોય છે.

ગત વર્ષે આ મેળાને મલ્હાર નામ આપવામાં આવ્યું હતું. દર વર્ષે રાજકોટના લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડાં અને રાઇડ્‌સ મળી ૩૦૦ થી વધુ પ્લોટ્‌સની ફાળવણી કરવામાં આવતી હોય છે. જેમાં ખાણીપીણીના ૧૫ થી વધુ સ્ટોલ, આઈસ્ક્રીમના ૧૫ થી વધુ સ્ટોલ, રમકડાના ૨૦૦ થી વધુ સ્ટોલ તેમજ નાની મોટી ૫૦ જેટલી યાંત્રિક રાઈડ્‌સ અને ૪૦ થી વધુ ચકરડી સહિત ૩૦૦ થી વધુ પ્લોટ્‌સ ફાળવવામાં આવે છે. આ વર્ષે જા મેળાનું આયોજન ન થાય તો આ તમામની સાથે રસ્તા પર બેસી પાથરણા પાથરી રમકડાં વેચાણ કરતા હજારો લોકોની રોજીરોટી છીનવાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, લોકમેળાની સાથે સાથે ખાનગી મેળાનું પણ આયોજન થતું હોય છે, જે પણ ૨૦ દિવસ સુધી ચાલુ હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.