સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર
રાજકોટ: છેલ્લા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલા ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરના પાણીમાં ૧૪ જેટલા લોકો તણાઈ ગયા હોવાની ઘટનાઓ બની છે. શનિવાર અને રવિવાર દરમિયાન આ બનાવો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરા તાલુકામાં, પોરબંદરના રાણાવાવમાં, જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં અને કચ્છના મુંદ્રામાં બન્યા હતા. તણાયેલા લોકોમાંથી ૧૦ લોકો હજુ ગુમ છે, જ્યારે એકનું મોત થયું અને બે લોકોને રેસ્ક્યુ કરાયા હતા. શનિવારે કલ્યાણપુર તાલુકાના હડમતિયા ગામમાં ભાનગડ નદીના ભારે કરંટમાં ત્રણ વ્યક્તિઓ તણાઈ હતી. તેમાંથી એક વ્યક્તિ તરીને સુરક્ષિત રીતે કાંઠા સુધી પહોંચી ગયો હતો,
જ્યારે બીજી વ્યક્તિ ડૂબી ગઈ અને ત્રીજી વ્યક્તિ ગુમ થઈ ગઈ. પોલીસ મુજબ, આ ત્રણેય યુવકો સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને ઘટના સમયે કામ પર ફેક્ટરીએ જઈ રહ્યા હતા. ત્રણેય યુવકો નદીને ઓળંગીને જઈ રહ્યા હતા, સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. બીજી તરફ રવિવારે રાણાવાવમાં ત્રણ ભરવાડ નદીમાં પોતાની ભેંસોની તણાતા બચાવવા જતા ડૂબી ગયા હતા. બાવન ગોરાસિયા, પુંજા કોડિયાતર અને અર્જન કોડિયાતર ભેંસોને બચાવવા નદીમાં ઉતર્યા હતા પરંતુ પાણીનો કરંટ ખૂબ જ વધારો હતો.
તેમને શોધવાના પ્રયાસો કરાયા હતા. અન્ય બનાવમાં કાલાવાડ તાલુકાના ખાખરિયા ગામમાં બનાવેલા ચેક ડેમમાં મહેશ શિંગાળા નામની વ્યક્તિ ડૂબી ગઈ હતી. જ્યારે જામનગરમાં રવિ ચૌહાણ નામનો યુવક રંગમતી નદીમાં નાહવા પડ્યો હતો અને ડૂબી ગયો. જ્યારે મુંદ્રા નજીક ધ્રાબ ગામમાં સુરાઈ નદીમાં તણાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તેમાંથી બે લોકોને બચાવ્યા હતા, પરંતુ ત્રણ લોકો હજુ લાપતા છે.