સૌરાષ્ટ્ર-કચ્છના ૪ સ્થળોએ ડિ-સેલીનેશન પ્લાન્ટ સ્થાપી દરરોજનું ર૭ કરોડ લીટર સમુદ્રનું ખારૂં પાણી પીવાલાયક મીઠું પાણી બનાવાશે

દેવભૂમિ દ્વારકા – ભાવનગર – કચ્છ – ગીર સોમનાથના દરિયા કિનારાના ૪ ગામોમાં પ્લાન્ટ સ્થપાશે
ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારે દેવભૂમિ દ્વારકા, ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૪ સી-વોટર ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકારે એક સ્પેશ્યલ પરપઝ વ્હીકલ SPV સાથે સમજૂતિ કરાર કર્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના પાણી પૂરવઠા વિભાગ હસ્તકની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ અને મુંબઇની શાપુરજી પાલનજી એન્ડ કંપની તથા એકવાટેક સિસ્ટમ એશિયા પ્રાયવેટ લિમિટેડની જોઇટ વેન્ચર SPV વચ્ચે આ કરાર સંપન્ન થયા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી વોટર ગ્રીડ તથા નર્મદાના એકમાત્ર પીવાના પાણીના સોર્સ પર અવલંબિત રહેવાને બદલે ૧૬૦૦ કિ.મી. વિશાળ દરિયાકાંઠે ડિસેલીનેશન પ્લાન્ટ સ્થાપીને દરિયાના ખારા પાણીને પીવાલાયક મીઠા પાણી બનાવી જળ સલામતિ પ્રદાન કરવાનો જે અભૂતપૂર્વ નિર્ણય કર્યો છે તેની પુષ્ટિ કરતાં આ કરાર કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે આ SPV સાથે જે કરાર કર્યા છે તે મુજબ ૪ સ્થળોએ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. તદ્દઅનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ નજીક રોજના ૭ કરોડ લીટર, ભાવનગરના ઘોઘા નજીક દૈનિક ૭ કરોડ લીટર તેમજ કચ્છના માંડવી તાલુકાના ગુંદીયાલી ગામ પાસે ૧૦ કરોડ લિટર અને ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગામ પાસે ૩ કરોડ લીટર પ્રતિદિન સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવતા ડીસેલીનેશન પ્લાન્ટ સ્થપાવાના છે.
ચારેય પ્લાન્ટની સ્થાપનાના પ્રોજેકટને આનુષાંગિક જરૂરી પર્યાવરણીય તથા અન્ય પરવાનગીઓ એસ.પી.વી. એ મેળવવાની રહેશે અને રાજ્ય સરકાર તે હેતુસર સહયોગ કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, આવી પરવાનગી મળ્યા બાદ પ્લાન્ટની બધી જ કામગીરી બે વર્ષમાં પૂર્ણ કરી તમામ પ્લાન્ટ કાર્યરત કરાશે અને રોજનું ર૭ કરોડ લીટર દરિયાનું ખારૂં પાણી પીવાલાયક મીઠું પાણી બનશે.
આ ચારેય ડીસેલીનેશન પ્લાન્ટને રાજ્યવ્યાપી વોટર ગ્રીડ સાથે સાંકળીને સૌરાષ્ટ્ર-કચ્છની વધુ જળ સલામતિ આપવાનું પણ રાજ્ય સરકારનું આયોજન છે. આ કરાર આદાન-પ્રદાન અવસરે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ચેરમેન અને સચિવ શ્રી ધનંજ્ય દ્વિવેદી, શાપૂરજી પાલનજીના હેડ ઓફ વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર ગૃપ શ્રી રેબિ થોમસ તેમજ GWILના શ્રી આર. એસ. નિનામા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.