સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ ડે રહેવાની આગાહી- કાલાવડમાં ઠંડીથી એકનું મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/cold-wave.jpg)
અમદાવાદ: ઉતર તરફના પવનો ફૂંકાતાની સાથે રાજ્યના લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ‘કાલ્ડ ડે’ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, સાથે આગામી ૨૪ કલાક ઠંડા અને સુકા પવનો ફૂંકાશે. જેના કારણે ઠંડીનુ પ્રમાણ યથાવત રહેશે. બીજી તરફ જામનગર જિલ્લાના કાલાવડમાં ઠંડીને કારણે હાર્ટ અટેકથી એક યુવકનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
છેલ્લા ૩ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનુ પ્રમાણ વધ્યું છે.
દરિયા કિનારાના વિસ્તારોનું તાપમાન સામાન્ય રહેતું હોય છે, પરંતુ દરિયા કિનારે ઉતર-પશ્ચિમ તરફના પવન ફૂંકાઈ રહ્યા હોવાથી એકા એક તાપમાન ઘટી રહ્યું છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં આખો દિવસ ઠંડા પવન ફૂંકાવાની સાથે કાલ્ડ ડેની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, પોરબંદર, ભાવનગર અને કચ્છમાં કાલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે અને દિવસ દરમિયાન પણ લોકો ઠંડીનો અહેસાસ થશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં કડકડતી ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા છે. આગામી ૨૪ કલાક ઠંડીનુ પ્રમાણ યથાવત રહેશે.
રાજ્યમાં આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું છે. નલિયાનું લઘુતમ તાપમાન ૪.૬ ડિગ્રી નોંધાયું છે. રાજકોટનુ લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી, પરોબંદરનું લઘુતમ તાપમાન ૧૨.૫ ડિગ્રી, ભુજનુ તાપમાન ૯ ડિગ્રી, અમરેલી, સુરેન્દ્રનગર, ન્યૂ કંડલાનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી રહ્યુ છે.એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાભાગનાં શહેરનું લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી આસપાસ રહ્યુ છે. જોકે, ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઇ છે. ચાલુ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષેની અસર ગુજરાત ઉપર પણ થઇ છે, જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી લગાતાર લઘુતમ તાપમાન ઘટી રહ્યુ છે. સાથે જ ઠંડીનું પ્રમાણ વધતા જનજીવન પ્રભાવિત થયું છે.