સ્કિલ યુવાઓની સૌથી મોટી તાકાત, સમય સાથે તેમાં બદલાવ જરૂરી: PM મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે “વર્લ્ડ યૂથ સ્કિલ ડે”ના અવસરે યુવાઓને સંબોધિત કર્યા હતા. જેમાં વડાપ્રધાને જણાવ્યુ કે, આજનો દિવસ 21મી સદીના યુવાઓને સમર્પિત છે, આજે સ્કિલ યુવાઓની સૌથી મોટી તાકાત છે. બદલાઈ રહેલા સમય સાથે સ્કિલમાં પણ બદલાવ આવ્યો છે. આજે આપણા યુવાઓ ઘણી નવી વાતોને અપનાવી રહ્યાં છે. PM મોદીએ જણાવ્યું કે, આજે દુનિયામાં હેલ્થ સેક્ટરમાં અનેક દરવાજા ખુલ્યાં છે.
પીએમ મોદીએ જણાવ્યુ કે, કોરોના સંકટમાં લોકો પૂછે છે કે આખરે આજના સમયમાં કેવી રીતે આગળ જઇ શકાય? તેનો એક જ મંત્ર છે કે, તમે સ્કિલને મજબૂત બનાવો. હવે તમારે નવા હુન્નર શીખવા પડશે. દરેક સફળ વ્યક્તિને પોતાની કુશળતાને સુધારવાનો અવસર મળવો જોઈએ. જો કંઈ નવું શીખવાનું ધગશ નહી હોય, તો જીવન રોકાઈ જાય છે.
સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યુ કે, દરેકે સતત પોતાની કુશળતામાં ફેરફાર કરતા રહેવું જોઈએ, આ જ સમયની માંગ છે. મારા એક ઓળખીતા જે મને યાદ આવે છે, તે વધારે ભણેલા-ગણેલા નહતા, પરંતુ તેમની હેન્ડરાઈટિંગ ખૂબ જ સરસ હતી. સમયની સાથે તેમણે તેમાં ફેરફાર કર્યો, જે બાદ લોકો તેમની પાસેથી કામ કરાવવા લાગ્યા. દરેકમાં એક ક્ષમતા હોય છે, જે બીજાથી જુદો પાડે છે.
યુવાઓને પીએમ મોદીએ જણાવ્યુ કે, જો સ્કિલને શીખતા રહેશો તો જીવનમાં ઉત્સાહ બની રહેશે. કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ સ્કીલ શીખી શકે છે. પીએમે જણાવ્યુ કે હું એક સંસ્થા સાથે કામ કરતો હતો, ત્યારે અમે જીપમાં જવાના હતા, ત્યારે જીપ બગડી ગઈ. અમે બધાએ જીપને ધક્કા માર્યા પરંતુ કોઈ લાભ ના થયો, ત્યારે અમે એક મિકેનિકને બોલાવ્યો, એ મિકેનિકે આવીને બે મિનિટમાં તેને ઠીક કરી દીધી.
પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક સ્કિલ ઇન્ડિયા મિશનને આજે પાંચ વર્ષ પુરા થયા છે, આ પ્રસંગે સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલય તરફથી ડિજિટલ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે.