સ્કુટર અકસ્માત જેવી નજીવી બાબતે મહિલાને છરો માર્યો, આજીવન કેદ થઈ

Files Photo
જૂનાગઢ, જુનાગઢમાં આજથી ત્રણ વર્ષ પૂર્વે સકુટર અથડાવાના કારણે જેતપુરના શખ્સે સ્કુટર ચાલક મહિલાને છરીના ઘા ઝીંકી હત્યાના બનાવમાં જુનાગઢ ડીસ્ટ્રીક્ટ કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને આજીવન કારાવાસની સજા તથા મૃતકના પરિવારને એક લાખનુૃ વળતર આપવા આદેશ કર્યો હતો.
આ કિસ્સાની વિગત એવી છે કે જૂનાગઢના હરિનભાઈ ઉર્ફે કાનાભાઈ નિરંજભાઈ વૈષ્ણવના પત્ની મનિષાબેન તા.ર૦-પ-૧૮ના રોજ બપોરના સમયે પોતાના સ્કુટર ઉપર ઘરે જઈ રહ્યા હતા ત્યારે સંવાદ કોમ્પ્લેક્ષ પાસેથી ચાલીને જઈ રહેલા રાજકોટના દેરડીના ફિરોઝ ગફૂર ભટ્ટીને અડફેટે લેતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો.
સ્કુટર ચાલક મનિષાબેનને છાતીમાં છરીનો એક જીવલેણ ઘા ઝીંકી દઈને મોતને ઘાટ ઉતારી નાસવા જતાં લોકોએ તેને ઝડપી લીધો હતો અને પોલીસ હવાલે કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી. હત્યારાની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કેસ જૂનાગઢ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં દાર્શનિક તથા દસ્તાવેજી પુરાવાઓ તથા દલીલો બાદ મુખ્ય જીલ્લા ન્યાયાધીશ કુ.રિઝવાન બુખારીએ આરોપીને હત્યાના ગુનામાં તકસીરવાન ઠેરવી આજીવન જેલની સજા તથા રૂા.પાંચ હજારનાં દંડ ફટકાર્યો હતો. દૃંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ભોગવવાની રહે છે.
તેમજ મૃતકના પરિવારની હત્યાને કારણે જે યાતના દુઃખ, દર્દ માટે રાજ્ય સરકારની વળતર સ્કીમ હેઠળ રૂા.૧ લાખ વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો. આમ, જૂનાગઢમાં ત્રણ વર્ષ પૂર્વેની હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.