Western Times News

Gujarati News

સ્કુલવાનની હડતાળથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન

અમદાવાદ,
રાજકોટમાં બનેલા અÂગ્નકાંડની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હતું જેના પગલે અમદાવાદ આરટીઓ વિભાગ દ્વારા સ્કુલવાન અને રિક્ષાનું સરપ્રાઈજ ચેકિંગ કરવાનો આદેશ કર્યો હતો. આદેશનું અમલીકરણ થાય તે પહેલાં જ સ્કુલવર્ધી એસોસિયેશન દ્વારા હડતાળ પાડવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય અનુસાર આજે અમદાવાદ સહિત ગુજરાતના લાખો સ્કૂલવાહનચાલકો અચોક્કોસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ભોગવવો પડયો છે. વહેલી સવારથી વાલીઓ પોતપોતાના વાહનો લઈને બાળકોને સ્કુલમાં મુકવા માટે ગયા હતા, જયારે કેટલાક વિદ્યાર્થીએ રીતસરની રજા પાડી દીધી હતી.

વાહનચાલકોએ અચોકકસ મુદતની પાડેલી હડતાળમાં લાખો વિદ્યાર્થીનો એક જ સવાલ છે કે અંકલ અમારો શું વાંક-ગુનો ? સ્કુલવર્ધી પરમિટને લઈને એસોસિયેશન અને આરટીઓ તંત્ર આમને સામને આવી ગયા છે. જેના કારણે વિદ્યાર્થીઓના ભણતર ઉપર સીધી અસર પડી છે.
આજે અમદાવાદ સહિત રાજયભરમાં સ્કુલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા સ્કુલરિક્ષા અને વાનની હડતાળના પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજથી અમદાવાદના ૧પ હજાર સહિત રાજયભરના કુલ ૮૦ હજારથી પણ વધુ રિક્ષા-સ્કૂલવાનચાલકો અચોકકસ મુદતની હડતાળ પર છે.

ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કુલવાનચાલકો અને સ્કુલ રિક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. સવારની શાળાઓમાં સમયસર બાળકોને પહોંચાડવા માટે વાલીઓએ રીતસરની દોટ મુકી હતી. શહેરની સ્કૂલોની બહાર ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાતા ચક્કાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કોઈક રોંગ સાઈડથી વાહન ચલાવીને શાળા સુધી પહોંચ્યું હતું તો બેથી ત્રણ વાલીએ ભેગા થઈને બાળકોને સ્કૂલે કેવી રીતે મુકવા જવું તેની ગોઠવણ કરી હતી. નોકરી કરતા વાલીએ મુશ્કેલીનો ટાસ્ક ભરવો પડયો હતો.

આરટીઓએ જાહેર કર્યું છે કે તે માન્ય ફિટનેસ પ્રમાણપત્રો અને પાસિંગ પરમિટ માટે આજથી ઓચિંતી તપાસ શરૂ કરશે તેના જવાબમાં, સ્કૂલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશને નિર્ણય જાહેર કર્યો છે કે, તે તારીખથી શાળાએ જતાં વાહનો ચાલશે નહી, સ્કૂલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન ભારપૂર્વક જણાવે છે કે, જયાં સુધી એકસ્ટેન્શન માટેની તેમની માગણીઓ સંતોષવામાં ન આવે, ત્યાં સુધી તેઓ સેવા અટકાવવાનું ચાલુ રાખશે. એક બેઠક દરમિયાન શાળાવાન અને રિક્ષાની પરમિટ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે રાજય સરકાર પાસેથી બેથી ત્રણ મહિનાનાં વિસ્તરણની વિનંતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટની આગની ઘટના બાદ સરકારે પરમિટ મેળવવા માટે એક સપ્તાહનો સમય આપીને પ્રતિક્રિયા આપવાના કારણે એસોસિયેશન દ્વારા બેથી ત્રણ મહિનાનો લાંબો સમય માંગવામાં આવ્યો છે. હાલમાં અમદાવાદમાં ૧પ,૦૦૦ અને સમગ્ર રાજયમાં ૮૦,૦૦૦ સ્કૂલ વાહનોમાંથી માત્ર અમદાવાદમાં અંદાજે ૮૦૦ વાહનોને અત્યાર સુધીમાં પરમિટ મેળવી છે. સ્કુલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રની નિમણુંકના અભાવે સ્કૂલ ટ્રાન્સપોર્ટ વાહનોની પરમિટ મેળવવાના તેમના પ્રયાસો અટકી પડયા છે.રાજયભરની સ્કુલ હજુ તો આ સપ્તાહે જ શરૂ થઈ છે ત્યાં વાલીઓએ આજથી સ્કૂલના ધક્કા ખાવા પડી રહ્યા છે.

એક તરફ સ્કુલવર્ધી એસોસિયેશને આ વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ભાડામાં વધારો કરીને વાલી પર મોંઘવારીનો બોજ નાખ્યો છે ત્યારે હવે વાલીએ સ્કૂલવાનચાલકોની હડતાળના કારણે સંતાનોને સ્કૂલે મુકવા-લેવા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડયો છે.આજે અમદાવાદની કેટલીક સ્કૂલમાં પરીક્ષા પણ હતી. જોકે વાહનોની હડતાળને લઈને પરીક્ષા રદ કરવાનો નિર્ણય સ્કૂલ દ્વારા લેવાયો છે. આ સાથે કેટલાક વિદ્યાર્થીઓની સ્કુલ દૂર હોવાના કારણે તેમના વાલીઓએ તેમને સ્કૂલે મોકલવાનો પણ ઈનકાર કરી દીધો છે. જયાં સુધી સ્કૂલવાનની હડતાળ નહીં સમેટાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ સ્કૂલે નહીં જાય, વિદ્યાર્થીઓના વાલીઓએ પણ હડતાળ સામે પોતાનો વિરોધ વ્યકત કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.