સ્કૂલોમાં શિક્ષણનું ભારણ ઘટાડવા એકમ કસોટી દૂર કરવા રજૂઆત
નવી એજ્યુકેશન પોલિસીથી વિપરીત પરીક્ષાઓ વધારવામાં આવી રહી છે
આગામી દિવસોમાં એકમ કસોટી બંધ કરવામા ન આવે તો ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે ઃ નિવૃત અધિકારી
અમદાવાદ,
રાજયની સ્કૂલોમાં દર શનિવારે એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષણનું ભારણ ઘટાડવાનો નિર્દેશ કરવામાં આવ્યો હોવાછતાં સરકાર દ્વારા આ પ્રકારની કસોટીઓ લઇને શિક્ષણમાં ભારણ વધારવામાં આવતું હોવાની ફરિયાદ શિક્ષણ વિભાગના જ એક અધિકારી કરી હોવાનું બહાર આવ્યું છે.નવી એજ્યુકેશન પોલીસીમાં સ્કૂલોમાં પણ ભારણ ઓછુ કરીને વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ પડે તે પ્રકારની પ્રવૃત્તિઓ વધારવા પર જોર આપવામાં આવ્યું છે.
પરંતુ સ્કૂલોમાં હાલમાં એકમ કસોટીના નામે શિક્ષણમાં ખોટુ ભારણ ઉભુ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ કે, આ પ્રકારનો ઉલ્લેખ ખુદ શિક્ષણવિભાગમાં ઉચ્ચ હોદ્દા પર રહીને નિવૃત્ત થયેલા અધિકારીએ શિક્ષણ સચિવને કરેલી ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ પ્રકારની કસોટીઓના કારણે સરકારી સ્કૂલોના ત્રણ લાખથી વધુ શિક્ષકોમાં નિરાશા જોવા મળી રહી છે. એટલું જ નહી એકમ કસોટીના કારણે શિક્ષણ રસહીન થવાની સાથે સાથે શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો સતત વધી રહ્યો છે અને શિક્ષણની ગુણવત્તા ઘટી રહી છે.
એકમ કસોટી દૂર કરવાની તાતી જરૂરિયાત છે. ખરેખર તો એકમ કસોટીની જગ્યાએ વિદ્યાર્થીઓની ૩૬૦ ડિગ્રીએ મુલ્યાંકન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. નિવૃત્ત અધિકારીએ એવી પણ ચીમકી આપી છે કે, આગામી દિવસોમાં એકમ કસોટી બંધ કરવામા ન આવે તો ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે.ss1