સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરી દેવાતાં વાલીઓમાં રોષ
અમદાવાદ, રાજ્યમાં ધોરણ ૧થી૫ની સ્કૂલો સોમવારથી શરૂ કરવાની જાહેરાત રવિવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. માર્ચ ૨૦૨૦ પછી સળંગ ૧૮ મહિના પ્રાઈમરી સ્કૂલો બંધ રહ્યા પછી સોમવારથી શરૂ થઈ રહી છે.
સરકારે અચાનક જ એકતરફી ર્નિણય કરીને સોમવારથી જ સ્કૂલો શરૂ કરવાની જાહેરાત કરતાં સંચાલકો અને વાલીઓમાં પણ ભારે આશ્ચર્ય જાેવા મળી રહ્યું છે. સામાન્ય રીતે સ્કૂલો શરૂ કરતાં પહેલા એક અઠવાડિયાનો સમય આપવામાં આવતો હોય છે. પણ શિક્ષણ મંત્રીએ એકાએક જાહેરાત કરી દેતાં અનેક તર્કવિતર્ક ઊભા થયા છે.
કોરોના મહામારીના કારણે રાજ્યમાં માર્ચ ૨૦૨૦થી પ્રાથમિક સ્કૂલો બંધ કરાઈ હતી. જે બાદ કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં તબક્કાવાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરાઈ હતી. ત્યાં સુધી ઓનલાઈન ક્લાસ શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. મોટા વર્ગોની સ્કૂલો ખુલી જતાં ધોરણ ૧થી૫ના વર્ગો ક્યારે શરૂ થશે તે અંગેની અટકળો શરૂ થઈ હતી. આ ધોરણની સ્કૂલો શરૂ કરી શકાય કે કેમ તે ર્નિણય લેવા માટે સરકારે અલગથી કમિટીની રચના પણ કરી હતી.
વાલીઓ અને સંચાલકો સ્કૂલો ક્યારથી શરૂ થશે તેવી રજૂઆત કરતાં યોગ્ય સમયે પ્રાથમિક સ્કૂલો શરૂ કરાશે તેવી સ્પષ્ટતા સરકારે કરી હતી.
હવે સ્કૂલો ખુલવાની જાહેરાત થતાં શાળા સંચાલકો કહે છે કે, શિક્ષણમંત્રીએ રવિવારે રજાના દિવસે સોમવારથી સ્કૂલ શરૂ કરશે તેવી જાહેરાત કરતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. સંચાલકો કહે છે કે, સ્કૂલો શરૂ કરવા માટે એક સપ્તાહની મુદ્દત આપવી પડે તેમ છે કારણકે છેલ્લા ૧૮ મહિનાથી સ્કૂલો બંધ હતી. સેનિટાઈઝેશન સહિતની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
આ સ્થિતિમાં સોમવારથી સ્કૂલો શરૂ કરવાની જાહેરાત ભારે મુશ્કેલી ઊભી કરી છે. મોટાભાગની સ્કૂલોના વર્ગો અવાવરુ અને સાફ કર્યા વિનાના પડ્યા છે. ૨૪ કલાકમાં સ્કૂલો સાફ કરાવીને સેનિટાઈઝ કરાવી શક્ય નથી. ઉપરાંત જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલો મોકલવા માગે છે તેમની પાસેથી બાંહેધરી લેવાની હોય છે અને તેનો નમૂનો પણ સ્કૂલોએ વાલીઓને આપવાનો રહે છે.
સોમવારથી સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે આ પ્રકારની કામગીરી પણ થઈ શકે તેમ નથી. સરકારે સ્કૂલો શરૂ કરતાં પહેલા સંચાલકો-વાલીઓ સાથે પરામર્શ કે વાટાઘાટો કરી નથી.
સંચાલકોનું કહેવું છે કે, સરકારને એવી તો શી મજબૂરી છે કે, જેમને સીધી અસર થવાની છે તેવા વાલીઓ, સંચલકો કે અન્ય સંબંધિત લોકોને જાણ કર્યા વિના સોમવારથી જ સ્કૂલો શરૂ થશે તેવી જાહેરાત કરવી પડે તે અંગે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે.SSS