સ્કૂલ એક્રીડીટેશન ૨૦૨૪-૨૫ સંદર્ભે આચાર્ય તાલીમનું આયોજન કરાયું
ગુણોત્સવ અંતર્ગત શાળાઓની મૂલ્યાંકન પ્રક્રિયાના વિવિધ પાસાઓ તથા બદલાવ સહિત SSIP 2.0 અંગે કુલ ૨૪૧ આચાર્યોને તાલીમ આપવામાં આવી
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ ગ્રામ્ય અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓ માટે પ્રતિવર્ષ ગુણોત્સવ અંતર્ગત શાળાઓની મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માટે આ પ્રક્રિયાની પેટર્નમાં થયેલ બદલાવના અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો માટે સ્કૂલ એક્રીડીટેશન પ્રક્રિયાની સમજ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
શ્રી મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમદાવાદ-ગ્રામ્ય દ્વારા રાયખડ સ્થિત ભવન ખાતે આ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી શૈલેશભાઈ બાવા, જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય શ્રીમતી કૃપાબહેન જહા તેમજ GSQACના તજજ્ઞશ્રીઓએ તાલીમ અંતર્ગત વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમમાં કુલ ૨૪૧ આચાર્યો જોડાયા હતા.
આ તાલીમ કાર્યક્રમના એક વિશેષ સત્ર માટે રાજ્યકક્ષાએથી ઉપસ્થિત રહેલા નોડલ ઓફિસરશ્રી અંકિતભાઈ ઠાકોરે તાલીમમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP) 2.0 અંગે આચાર્યશ્રીઓને વિગતવાર સમજૂતી આપી હતી. શાળામાં અભ્યાસ કરતા અને અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે એ હેતુથી તમામ આચાર્યશ્રીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, SSIP 2.0નો ઉદ્દેશ રાજ્યમાં સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ સાહસિકોને વધુ વ્યાપક સહાય પૂરી પાડીને સફળતાને આગળ ધપાવવાનો અને તેને ઉચ્ચ સ્તર પર લઈ જવાનો છે. આ પોલિસી વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ્સને ફંડિંગ સહાય, માર્ગદર્શન, ઇન્ક્યુબેશન અને એક્સિલરેટર સપોર્ટ, ઉદ્યોગ નેટવર્ક અને વૈશ્વિક બજારોની ઍક્સેસ પ્રદાન કરે છે.