સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લવાઈ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ના ચિખોદ્રરા પાસે કોટી સ્ટીલ ની નજીક આવેલ એ .કે. ટ્રેડર્સ માં આજે વહેલી સવારે વીજ ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટ થયા બાદ પ્લાસ્ટિકના સ્ક્રેપ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી જવા પામી હતી. જ્યારે આગના બનાવને કારણે એ.કે. ટ્રેડર્સ ના માલિકે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
જેથી ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર સહિત ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી અને પ્લાસ્ટિકના સ્ક્રેપ ગોડાઉનમાં પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમત બાદ કાબુ મા લેવામા આવી હતી.
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પાંચ જેટલા ફાયર ફાઈટ ની મદદ લેવામાં આવી હતી. જેમાં કાલોલ નગરપાલિકા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને ગોધરા અને કાલોલ ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરોએ સતત ત્રણ કલાક સુધી એકધારો પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
આગના બનાવના કારણે ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર અને એમજીવીસીએલની ટીમ તથા ગોધરા બી-ડિવિઝનના પી.આઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યો હતો.
ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો. જ્યારે બીજી બાજુ એ.કે.ટ્રેડર્સના માલિકે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ વધુ ના પ્રસરે તે માટે પ્લાસ્ટિકના સ્ક્રેપ માલને જેસીબી મશીનની મદદથી ટ્રેક્ટરમાં ભરી અન્યત્ર ખસેડવાની કામગીરી પણ હાથ ધરી હતી, પરંતુ હાલ તો આગ ઉપર કાબૂ મેળવાતા વહીવટી તંત્ર સહિત એ.કે.ટ્રેડર્સના માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. આગના બનાવ માં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી.