સ્ટવ ક્રાફ્ટે IPO અગાઉ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 185 કરોડથી વધારેનું ભંડોળ ઊભું કર્યું
કિચન એપ્લાયન્સિસ ઉત્પાદક સ્ટવ ક્રાફ્ટ લિમિટેડે એના આઇપીઓ અગાઉ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 185 કરોડથી વધારે ભંડોળ ઊભું કર્યું છે. કંપનીનો આઇપીઓ સોમવારે સબસ્ક્રિપ્શન માટે ખુલશે.
32 એન્કર રોકાણકારોને શેરદીઠ અપર પ્રાઇસ બેન્ડ રૂ. 385ના ભાવે કુલ 48,22,290 શેરની ફાળવણી કરવામાં આવી છે. બીએસઇએ શુક્રવારે મોડી સાંજે જાહેર કરેલા સર્ક્યુલર મુજબ, આ કિંમતે કંપનીએ રૂ. 185.68 કરોડનું ભંડોળ ઊભું કર્યું છે.
એન્કર રોકાણકારોમાં ગોલ્ડમેન સાક્સ ઇન્ડિયા, નિપ્પોન લાઇફ ઇન્ડિયા ટ્રસ્ટી, બજાજ આલિઆન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની, આઇઆઇએફએલ સ્પેશ્યલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, ઇન્ટિગ્રેટેડ કોર સ્ટ્રેટેજીસ એશિયા પ્રાઇવેટ લિમિટેડ અને સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે. સ્ટવ ક્રાફટનાં આઇપીઓમાં રૂ. 95 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણ માટે ઓફર થયેલા 82.50 લાખ ઇક્વિટી શેર સામેલ છે.
વેચાણ માટેની ઓફરમાં પ્રમોટર રાજેન્દ્ર ગાંધીના 6,90,700 શેર, પ્રમોટર સુનિતા રાજેન્દ્ર ગાંધીના 59,300 શેર, સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયા ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સના 14,92,080 શેર અને એસસીઆઈ ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ IIના 6,007,920 શેર સામેલ છે.
આઇપીઓ માટે શેરના વેચાણની પ્રાઇસ બેન્ડ રૂ. 384થી રૂ. 385 નક્કી કરવામાં આવી છે, જે પબ્લિક સબસ્ક્રિપ્શન માટે 25થી 28 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. અપર પ્રાઇસ બેન્ડ પર આઇપીઓમાં રૂ. 412.62 કરોડનું ભંડોળ ઊભું થવાની અપેક્ષા છે.
અત્યાર સુધી જાન્યુઆરીમાં આઇપીઓ લાવનારી આ ચોથી કંપની છે. ચાલુ અઠવાડિયામાં રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન અને ઇન્ડિગો પેઇન્ટ્સનો આઇપીઓ આવ્યો હતો. અત્યારે પબ્લિક સબસ્ક્રિપ્શન માટે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપનીનો આઇપીઓ ખુલ્લો છે.
સીક્વોઇયા કેપિટલનું પીઠબળ ધરાવતી કંપનીએ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ભંડોળનો ઉપયોગ કંપની લીધેલ ઋણની પુનઃચુકવણી કરવા કે આગોતરી ચુકવણી કરવા માટે તેમજ અન્ય સાધારણ કોર્પોરેટ ઉદ્દેશ માટે કરશે.
કંપની પિજન અને ગિલ્મા બ્રાન્ડ અંતર્ગત વિવિધ કિચન સોલ્યુશન્સનું ઉત્પાદન અને વેચાણ કરવામાં સંકળાયેલી છે. આ એક કિચન સોલ્યુશન્સ કંપની અને વિકસતી હોમ સોલ્યુશન્સ બ્રાન્ડ છે. કિચન સોલ્યુશન્સમાં તમામ બ્રાન્ડના કૂકવેર અને કૂકિંગ એપ્લાન્સિસ તથા વિવિધ ઘરગથ્થું વપરાશ માટે હોમ સોલ્યુશન્સ સામેલ છે, જેમાં કન્ઝ્યુમર લાઇટિંગ સામેલ છે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજરો એડલવાઇસ ફાઇનાન્સિયલ સર્વિસીસ અને જેએમ ફાઇનાન્સિયલ છે. કંપનીના શેર સ્ટોક એક્સચેન્જો પર લિસ્ટેડ થશે.