સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવા એચડીએફસી બેંકે i-Hub સાથે એમઓયુ કર્યું
· i-Hub એ ગુજરાત સરકાર દ્વારા સમર્થિત સ્ટાર્ટ-અપ્સ માટેનું ઇનોવેશન હબ છે
· બેંક સ્ટાર્ટ-અપ્સને એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશન્સ અને માર્ગદર્શન પૂરું પાડશે
અમદાવાદ (ગુજરાત), સ્ટાર્ટઅપ્સને સમર્થન અને માર્ગદર્શન પૂરાં પાડવાના બેંકના સક્ષમ પ્રયાસોને આગળ વધારતાં ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે સ્ટુડેન્ટ સ્ટાર્ટ-અપ્સ અને નવીનીકરણોને સમર્થન પૂરું પાડવા ગુજરાત સરકાર દ્વારા સમર્થિત સેન્ટર, i-Hub (ગુજરાત સ્ટુડેન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન હબ) સાથે મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતના અમદાવાદમાં આવેલ i-Hub એ યુવાનોની ઉદ્યોગસાહસિક ભાવનાને સમર્થન પૂરું પાડી રાજ્યમાં સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટેનું એક ઉત્પ્રેરક છે.
આ સહયોગના ભાગરૂપે એચડીએફસી બેંક i-Hub ખાતે ઇન્ક્યુબેટ થયેલ સ્ટાર્ટ-અપ્સને એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશન્સ અને માર્ગદર્શન પૂરાં પાડશે.
એચડીએફસી બેંકના ગુજરાત ખાતેના રીજનલ હેડ શ્રી પિનલ શાહ અને iHubના સીઇઓ હિરણમય મહંતાએ 12 ઑગસ્ટના રોજ અમદાવાદના નવરંગપુરા સ્થિત એચડીએફસી બેંક હાઉસ ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
i-Hub એ એચડીએફસી બેંક સાથે એમઓયુ કરનારું ગુજરાતનું ચોથું સ્ટાર્ટ-અપ ઇન્ક્યુબેટર છે. થોડા સમય પહેલાં જ બેંકે ગાંધીનગર સ્થિત રક્ષા શક્તિ યુનિવર્સિટી (RSU), સરકારી માલિકીની ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ GUSEC (ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રેન્યોરશિપ કાઉન્સિલ) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીઝાઇન (NID), અમદાવાદ સાથે જોડાયેલ NDBI (નેશનલ ડીઝાઇન બિઝનેસ ઇન્ક્યુબેટર) સાથે સંકળાયેલા સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રના સ્ટાર્ટ-અપ્સ માટેના ઇન્ક્યુબેટર SASTRA સાથે સહયોગ સાધ્યો હતો.
એચડીએફસી બેંકના ગુજરાત ખાતેના બ્રાન્ચ બેંકિંગ હેડ શ્રી થોમસન જૉસે જણાવ્યું હતું કે, ‘i-Hub સાથેનું જોડાણ એ રાજ્યમાં સ્ટાર્ટ-અપ્સને સમર્થન પૂરું પાડવાની બેંકની યાત્રામાં વધુ એક ડગલું છે. અમે ઇન્ક્યુબેટરો તેમજ ઇન્ક્યુબેટ થયેલા સ્ટાર્ટ-અપ્સને એન્ડ-ટુ-એન્ડ બેંકિંગ સોલ્યુશનો અને માર્ગદર્શન પૂરું પાડી તેમની વિકાસયાત્રાના સાથી બનવા માંગીએ છીએ.’
એચડીએફસી બેંક સાથેના જોડાણ અંગે વાત કરતાં i-Hubના સીઇઓ શ્રી હિરણમય મહંતાએ જણાવ્યું હતું કે, ‘i-Hub ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સ્ટુડેન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પૉલિસી હેઠળ સ્થાપવામાં આવેલ એક વાઇબ્રન્ટ ઇન્ક્યુબેશન સેટઅપ છે અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક સાથે તેણે સહયોગ સાધ્યો હોવાથી ઉભરી રહેલા ઉદ્યોગસાહસિકો એચડીએફસી બેંક દ્વારા પૂરાં પાડવામાં આવતાં ડાયનેમિક અને સક્ષમ બેંકિંગ સોલ્યુશનોનો લાભ ઉઠાવી શકશે. તે ઈ-મોબિલિટી, ક્લીન વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સ, ક્લીન એનર્જી, એડ ટૅક જેવા વિવિધ સેક્ટરોમાં સફળ નવીનીકરણોને સમર્થન પૂરું પાડવાની દિશામાં વધુ એક ડગલું છે.’