સ્ટિંગ કેમેરાથી સવાલનો ફોટો લઈ બ્લૂટૂથથી મોકલી જવાબ મેળવતો ઉમેદવાર પકડાયો
બોપલમાં નવોદય વિદ્યાલયની એજ્યુકેશનલ કન્સલ્ટન્ટની પરીક્ષામાં હરિયાણાના ઉમેદવારે કેમેરા શર્ટના બટનમાં અને બ્લૂટૂથ બૂટમાં ફિટ કર્યાં હતાં |
અમદાવાદ : વોદય વિદ્યાલય સમિતિની એજયુકેશનલ કન્સલ્ટન્ટ ઈન્ડિયા પ્રા. લિ દ્વારા યોજાયેલી પરીક્ષામાં બોપલના હોલમાર્ક ઈન્ફોટેક ખાતેના એકઝામ સેન્ટરમાં હરિયાણાના ઉમેદવારે ચોરી કરવા નવો કીમિયો અજમાવ્યો હતો. શર્ટના બટનમાં સ્ટિંગ ઓપરેશનમાં વપરાતો કેમેરો લગાવી તેના ફોટો પાડી લેતો હતો અને તેના ફોનમાં જવાબ મેળવી લખતોદ હતો. પરીક્ષા ખંડમાં તેની શંકાસ્પદ હરકત જણાતા સુપરવાઈઝરે તેની તપાસ કરતા કેમેરા અને બ્લૂટૂથ મળી આવ્યાં હતાં.
નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા એજયુકેશનલ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ (ઈડીસીઆઈએલ) દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોપલના હોલમાર્ક ઈન્ફોટેકમાં આઈઓન ડિજીટલ ઝોનમાં આ અંગે પર૪ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા હતા.
એક કમ્પ્યૂટર સિસ્ટમ પર સવિત હવાસિંગ (ડાની રાજુ હાંસી રૂરલ, હરિયાણા) નામનો ઉમેદવાર પરીક્ષા આપી રહ્યો હતો. પરીક્ષા શરૂ થયાની ૧૦ મિનિટ બાદ તેની હરકત શંકાસ્પદ જણાતા સુપરવાઈઝર શકિતસિંહ વાઘેલાએ તેની તપાસ કરી હતી.
શર્ટમાંથી સ્ટિંગ ઓપરેશન કરવા માટે વપરાતો કેમેરો મળી આવ્યો હતો. જયારે બૂટમાંથી કેમેરો અને બ્લૂટૂથ પણ મળી આવ્યં હતું. તે કમ્પ્યૂટરમાંથી હિડન કેમેરા દ્વારા પ્રશ્નનો ફોટો પાડી બહાર મોકલી ફોનથી જવાબ મેળવતો હતો. સવિત સામે બોપલ પોલીસ સ્ટેશનમાં સેન્ટર સુપરવાઈઝર શક્તિસિહ વાઘેલાએ ફરિયાદ નોંધાવાતાં પોલીસે સવિતની ધરપકડ કરી હતી.