સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તાજ મહેલને પણ આપી ધોબીપછાડ
અમદાવાદ, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને પહેલા ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીએ નવી સિદ્ધિ મેળવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના શ્રેષ્ઠ ૫ સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનારું સ્મારક બન્યું છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વેમાં આ વાત સામે આવી છે.
પુરાતત્વ અધ્યયન અને સાંસ્કૃતિક સ્મારકોના અનુરક્ષણ માટે જવાબદાર આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા કરાયેલા સર્વેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશના શ્રેષ્ઠ ૫ સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરનારું સ્મારક બન્યું છે. જે મુજબ તાજમહેલે જ્યાં એક વર્ષમાં ૫૬ કરોડની કમાણી કરી છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ૬૩ કરોડની કમાણી કરી છે. અત્રે જણાવવાનું કે ૩૧ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યે એક વર્ષ પૂરું થયું છે.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ૧૮૨ મીટર ઊંચી છે અને દુનિયાનિી સૌથી ઊંચી પ્રતિમાં છે. તેની ખાસ વાત એ છે કે તેને બનાવવામાં ૨૯૮૯ કરોડ રૂપિયા ખર્ચ થયા છે. તેને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ બનાવ્યું છે. આ મૂર્તિ સરદાર સરોવર બંધથી ૩.૨ કિમી દૂર સાધુબેટ નામની જગ્યાએ છે. જે નર્મદા નદીમાં આવેલો એક ટાપુ છે. આ મૂર્તિને બનાવવામાં ૩૦૦૦થી વધુ લોકો અને ૨૫૦થી વધુ એન્જિનિયરોએ કામ કર્યું છે.