સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવે ભુલભૂલૈયા ગાર્ડન બનશે
અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે કેવડિયા જેવુ ખોબા જેવડુ ગામ વિશ્વભરમા ફેમસ થઈ ગયુ છે. કેવડિયામાં એક બાદ એક અનેક આકર્ષણો ઉમેરાઈ રહ્યા છે. ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યુ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ૫ એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. જેમાં આવનાર દરેક પ્રવાસીને રસ પડશે.
તમે વિદેશોમાં આવા અનેક પ્રકારના ભૂલભૂલૈયાવાળા ગાર્ડન જાેયા હશે. યુદ્ધના ધોરણે આ ભૂલભૂલૈયા ગાર્ડનનુ કામ ચાલી રહ્યું છે. આ ભૂલભૂલૈયા ગાર્ડન બહુ જ ખાસ પ્રકારના બનાવવામાં આવશે. કહેવાય છે કે, તે વિદેશના ગાર્ડન કરતા પણ અલગ અંદાજમાં તૈયાર કરવામાં આવશે. આ ભૂલભૂલૈયા ગાર્ડન ધાર્મિક યંત્રની ડિઝાઈનમાં તૈયાર કરવામાં આવશે.
આ ગાર્ડનને ખાસ બનાવાશે. તેમાં મોંઘાદાટ પ્લાન્ટ્સ લગાવવામાં આવશે. ગાર્ડનમાં ૮ થી ૧૦ હજારની કિંમતના પ્લાન્ટ્સ લગાવવામાં આવશે. એકવાર આ ગાર્ડન તૈયાર થઈ જશે, તો મોટી સંખ્યામાં મુસાફરો અહી આવશે. હાલ કોરોનાની બીજી લહેરમાં નિયંત્રણો હટતા સ્ટેચ્યુ ઓફ યુનિટી મુસાફરો માટે ખુલ્લુ મૂકાયું છે.
ફરીથી અહી મુસાફરોની ભીડ જામી રહી છે. કેવડિયામાં હાલ ૧૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કામ ચાલી રહ્યું છે. જેનુ ઉદઘાટન ખુદ પીએમ મોદી કરે તેવી શક્યતા છે. તેથી યુદ્ધના ધોરણે તમામ પ્રોજેક્ટ્સ પૂરા કરવામાં આવી રહ્યાં છે.