સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૬૨ કરોડના ખર્ચે રોપવે બનશે
વડોદરા: ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ના દિવસે સરદાર સરોવર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલી દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, માત્ર ગુજરાતીઓમાં જ નહીં પરંતુ વિદેશીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા બે વર્ષમાં અહીંયા લાખો લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. આ જગ્યાની વધુમાં વધુ લોકો મુલાકાત લે તે માટે ફ્લાવર ઓફ વેલી, ટેન્ટ સિટી, બટરફ્લાય ગાર્ડન, રિવર રાફ્ટિંગ, બોટિંગ સહિતના અનેક આકર્ષણો રાખવામાં આવ્યા છે, જેમાં વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. સરદાર સરોવર નિગમ લિમિટેડે નર્મદા નદી પર એક રોપવે સ્થાપિત કરવા માટેનો પ્રોજેક્ટ શરુ કર્યો છે. આ મુલાકાતીઓને નદીના એક છેડાથી બીજા છેડા સુધી લઈ જશે. રોપવેમાં બેસનાર મુલાકાતીઓને એક તરફ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિમા જ્યારે બીજી તરફ સરદાર સરોવર ડેમ જોવા મળશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સૂત્રોએ જણાવ્યું કે, આગામી બે વર્ષની અંદર રોપવેની સુવિધા શરુ થઈ જશે અને તેના કારણે કેવડિયાના પ્રવાસનને વેગ મળશે.
રોપવે શરુ થયા બાદ મુલાકાતીઓ માટે આ એકદમ અનોખો અનુભવ રહેશે. કારણ કે તેમને એક જ વખતમાં વિશાળ ડેમ અને દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા જોવા મળશે, તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીએ જણાવ્યું હતું. એસએસએનએલના અધિકારીઓએ હાલમાં જ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જેમાં બાંધકામ, ફાયનાન્સ, સંચાલન, મેન્ટેનન્સ અને ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ આશરે ૬૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. શરુઆતમાં ૧૦ વ્યક્તિઓની ક્ષમતાવાળા ડઝનથી વધુ કેબિન શરુ કરવામાં આવશે અને બાદમાં આ સંખ્યામાં વધારો થઈ શકે છે.
ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા પહેલાથી જ દેશના ટોપ પર્યટન સ્થળોમાંથી એક બની ચૂકી છે. આ જ કારણ છે કે, તેના લોકાર્પણ બાદ અહીંયા મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળે છે. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ રોજના મુલાકાતીઓના મામલે અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પાછળ છોડી દીધું હતું. રોજના ૧૦ હજાર મુલાકાતીઓ સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મુલાકાત લે છે જ્યારે નવેમ્બર ૨૦૧૮માં દરરોજ સરેરાશ ૧૫,૦૩૬ મુલાકાતીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.