સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દિવાળીની રજામાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઊમટી પડ્યા
કેવડિયા, કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દિવાળી વેકેશનમાં આવતા પ્રવાસીઓને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે અન્ય ૧૭ જેટલા પ્રોજેક્ટોએ જબરદસ્ત આકર્ષણ જમાવ્યું છે. દિવાળીના મીની વેકેશનમાં ચાર દિવસમાં દોઢ લાખથી વધુની સંખ્યામાં પ્રવાસીઓ આવુ ચુક્યા છે. પ્રવાસીઓએ ત્રણ કલાક સુધી લાંબી લાઈનોમાં ઉભા રહી પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને ક્રુઝ બોટમાં બેસી પ્રવાસીઓ પાણીના પ્રતિબિંબમાંથી ઉભરતી પ્રતિભા જાેવાનો લ્હાવો આ વર્ષે મેળવી રહ્યા છે. ક્રુઝમાં પણ પ્રવાસીઓને હવે પોતાની મનગમતી વાનગી જમવા મળે તે પ્રકારનું રમાડા હોટલ તરફથી સ્પેશ્યલ આયોજન કરવામાં આવ્યું હતું.
ક્રુઝની સફર સાથે ડાન્સ અને ડિનર પણ કરવામાં આવતું હતું. સમગ્ર કેવડીયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં ૩૫થી ૪૦ કરોડના ખર્ચે ૩ કરોડ એલઈડી લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું હતું. નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન દીનેશ તડવીએ આક્ષેપ લગાવ્યો છે કે, પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે પ્રવાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા હતા.
કોઈપણ પાર્કિંગમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ હતો. બસ પાર્કિંગ હોય કે પછી કાર પાર્કિંગ પ્રવાસીઓ નાસ્તા માટે અને પાણીની બેટલ માટે વલખાં મારી રહ્યા હતા. આ બધી જરૂરિયાતોની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સત્તા મંડળની નિષ્ક્રિયતા બહાર આવી છે.