સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો સુચવતુ બિલ પસાર
સામાન્ય જનતાને ધ્યાનમાં રાખી વધારા સૂચવાયા- સ્થાવર મિલકતના વેચાણ કે દસ્તાવેજની સ્ટેમ્પ ડ્યુટીની ટકાવારીના દરમાં કોઇપણ વધારો કરાયો નથી ઃ ચુડાસમા
અમદાવાદ, રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ અંતર્ગત ૫૮ આર્ટિકલના કુલ ૧૩૫ પેટા આર્ટિકલ છે ત્યારે તે પૈકીના ૯૧ પેટા આર્ટિકલના લેખો ઉપર તેમાં સમાવિષ્ટ બાબતની કિંમત ઉપર ટકાવારીના ધોરણે સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે. આ ઉપરાંત પણ અન્ય પેટા આર્ટિકલ પર પણ સ્ટેમ્પ ડ્યુટી લેવામાં આવે છે ત્યારે રાજ્યના મહેસુલ વિભાગે આજે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮માં કેટલીક ફીક્સ ડ્યુટીવાળા આર્ટિકલની સ્ટેમ્પ ડ્યુટીમાં જ વદારો કરવા માટેનું બિલ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ વધુ સુધારવા બાબતનું વિધેયક આજે વિધાનસભામાં હાલમાં મહેસુલ વિભાગનો હવાલો સંભાળતા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રજૂ કર્યું હતું.
વિધાનસભા ગૃહમાં આ અંગેનું બિલ રજૂ કરતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, અનૂસુચિમાં જુદા જુદા પ્રકારના દસ્તાવેજા જેવા કે વહીવટી ખત, દત્તક પત્રક, સોગંદનામુ, એપ્રેન્ટીસશીપ લેખ, રદ કરવાનો લેખ, લગ્નનોંધણી, છુટાછેડા બાબતના લેખ, બાંહેધરી પત્રો, નોટરીનું લખાણ, ભાગીદારી લેખ, કુલમુખત્યારનામું, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, જામીનખત અથવા ગીરોખત, પટ્ટો છોડી દેવાના લેખ, ટ્રસ્ટ જેવા વિવિધ પ્રકારના લેખો ઉપર ફિક્સ રકમથી સ્ટેમ્ડ ડ્યુટી લેવામાં આવે છે.
આ ફિસ્ક ડ્યુટીવાળા આર્ટિકલની સ્ટેમ્પ ડ્યુટીમાં કેટાલક વધારા જરૂરી હોવાથી આજે ગૃહમાં આ અંગેના વધારા સુચવતું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. ગૃહમાં ચર્ચા વિચારણા બાદ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ વધુ સુધારવા બાબતનું વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટીના ફીક્સ રકમના દરો કોઇપણ જાતના ફેરફાર વગર ઘણા સમયથી અમલમાં છે
ત્યારે હેવા હાલના સમયે અને સંજાગોને ધ્યાનમાં રાખતા કેટલીક સ્ટેમ્પ ડ્યુટીના ફિક્સ રકમના દરોમાં સુધારો જરૂરી જણાયા છે. આ દરો સુધારવા અંગેના વિધેયકમાં સોગંદનામું અને નોટરીના લખાણોના લેખો માટે હાલનો સ્ટેમ્પ ડ્યુટીનો દર ૨૦ રૂપિયા છે જે છેલ્લા ૧૯ વર્ષથી અમલમાં છે જેમાં ૫૦ રૂપિયાનો વધારો, દત્તકપત્ર, લગ્નનોંધણી તથા અમુક પ્રકારના ભાગીદારી લેખ ઉપર હાલનો સ્ટેમ્પ ડ્યુટીનો ફિક્સ દર ૧૦૦ રૂપિયા છે જે છેલ્લા ૩૦ વર્ષથી અમલમાં છે જેમાં ૨૦૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
વારસાગત મિલકતમાં કૌટુંબિક સભ્યો દ્વારા કુટુંબની તરફેણમાં હકો જતો કરવાના લેખ ઉપર ૧૦૦ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીનો દર છે તેમાં વધારો કરીને ૨૦૦ રૂપિયા કરવાનો સુધારો વિધેયકમાં સુચવવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટીની હાલની ફિક્સ રકમમાં સુધારા અંગેના વિધેયકમાં સ્પષ્ટતા કરતા ચુડાસમાએ કહ્યું હતું કે, સ્થાવર મિલકતના વેચાણ કે તબ્દીલીના દસ્તાવેજ જેવા આર્ટિકલ કે જેમાં હાલમાં સ્ટેમ્પ ડ્યુટીમાં ટકાવારી મુજબનો દર છે તેમાં કોઇ વધારો કરવાનું આ સુધારા વિધેયકમાં સુચવાયું નથી.