Western Times News

Gujarati News

સ્ટોક્સની તોફાની સદીની મદદથી રાજસ્થાન રોયલ્સ જીત્યું

દુબઈ: અબુધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ રમાઈ બની હતી. મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને ૧૯૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને પાર પાડવા મેદાને ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમે બેન સ્ટોક્સના ૬૦ બોલમાં ૧૦૭ રનની અણનમ ઈનિંગની મદદથી માત્ર બે વિકેટ ગુમાવીને જ મેચ જીતી હતી.

મેદાન પર પગ મૂકતાં જ હાર્દિક પંડ્યા છવાઈ ગયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગનો ર્નિણય લીધો હતો. મેદાન પર પગ મૂકતાં જ હાર્દિક પંડ્યા છવાઈ ગયો હતો. હાર્દિક પંડ્યાના ૨૧ બોલમાં અણનમ ૬૦ રનની મદદથી મુંબઈએ પહેલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૯૫ રન બનાવ્યા હતાં.

પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતાં
વચ્ચેની ઓવરમાં મુંબઈએ સમયાંતરે વિકેટ ગુમાવી હતી પરંતુ હાર્દિકની તોફાની ઈનિંગના કારણે આક્રમક રીતે ઈનિંગ રમીને ટીમને વિશાળ સ્કોરે પહોંચાડી હતી. તેણે પોતાની ઈનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતાં. સૌરભ તિવારીએ પણ તેનો સાથ આપતા જ ૨૫ બોલમાં ૩૪ રન બનાવ્યા હતાં. ૧૯૫ રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે રોબિન ઉથપ્પાના રુપમાં પહેલી વિકેટ ગુમાવી હતી. રોબિન ઉથપ્પા માત્ર ૧૩ રન કરીને પેવેલિયન ભેગો થયો હતો.

ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા સંજૂ સેમસને પણ ૩૧ બોલમાં ૫૪ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
જે પછી બેટિંગ કરવા ઉતરેલો સ્ટિવ સ્મિથ પણ ૧૧ રનનું જ યોગદાન આપી શક્યો હતો. જોકે, ચોથા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા સંજૂ સેમસને પણ ૩૧ બોલમાં ૫૪ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈના બોલર્સ વામણાં પૂરવાર થયા હતાં. ટ્રેન્ટ બોલ્ટે ૪ ઓવરમાં ૧૦ની એવરેજથી ૪૦ રન આપ્યા હતા તો જેમ્સ પેટિન્સન પણ ખૂબ જ ધોવાયો હતો. તેણે પણ ૩.૨ ઓવરમાં ૪૦ રન લૂંટાવ્યા હતાં. કેરોન પોલાર્ડ તેમજ રાહુલ ચહર પણ મુંબઈ માટે ખૂબ જ ખર્ચાળ સાબિત થયા હતાં. મુંબઈ તરફથી એકમાત્ર જેમ્સ પેટિન્સને જ બે વિકેટ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.