સ્ટોક ન આવે ત્યાં સુધી Zydusમાંથી રેમડેસિવીર ઈન્જેકશન નહીં મળે

Files Photo
અમદાવાદ: ઝાયડસ કંપની દ્વારા અન્ય કંપનીઓની સરખામણીએ સૌથી ઓછા ભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે રેમડેસીવર ઈન્જેકશનનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ કંપની દ્વારા થોડાક દિવસો પહેલાં જ જાહેરાત કરાઇ હતી કે ૯૦૦ રુપિયે એક રેમડેસિવર ઈન્જેકશન મળશે. જેથી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓ આ ઈન્જેકશન લેવા અમદાવાદ પહોંચી રહ્યા હતા. ત્યારે ઝાયડસ દ્વારા એક યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, સ્ટોકના અભાવે ૧૦ એપ્રિલ એટલે કે શનિવારથી રેમડેસિવીર ઈન્જેકશનનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે.
હવે આ વેચાણ ક્યારથી શરૂ થશે તેની કોઈ સ્પષ્ટતા ન હોવાથી દર્દીઓની મુશ્કેલીમાં ભારે વધારો થઇ રહ્યો છે. કારણ કે, એકબાજુ સરકાર દ્વારા રેમડેસિવીર ઈન્જેકશનનો પુરતો જથ્થો હોવાના દાવા કરાઈ રહ્યા છે .પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની આગામી દિવસમાં મુશ્કેલીઓમાં વધારો થશે તેવું લાગી રહ્યું છે. કારણ કે, સૌથી વધુ ઝાયડસ હોસ્પિટલ ખાતે રેમડેસિવીર ઈન્જેકશન લેવા ધસારો જાેવા મળતો હતો. અત્યાર સુધી ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીના સગાઓ તબીબની સલાહ મુજબ સસ્તા ભાવે રેમડેસિવીર ઈજેકશન લેવા અમદાવાદ ઝાયડસ જઈ રહ્યા હતા.
આ ઈજેકશન મામલે સરકાર દ્વારા પુરતો સ્ટોક હોવાના દાવા કરાઈ રહ્યા છે , પરંતુ વાસ્તવિક સ્થિતિ ભયાવહ છે. સૂત્રોનું માનીએ તો, ગુજરાત કરતા પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સ્થિતિ બેકાબૂ હોવાને કારણે – ઝાયડસ દ્વારા ગુજરાતમાં વેચાણ બંધ કરાઇને મહારાષ્ટ્રમાં સપ્લાયકરાશે અને એટલે જ અહીંયાનો સ્ટોક ખાલીના પાટીયા લગાવી દેવાયા છે. હવે રાજ્ય સરકાર આમા મધ્યસ્થી કરે તોજ વેચાણ ફરી ચાલુ થશે એમ મનાઇ રહ્યું છે. જાેકે, સમગ્ર રાજ્યમાં રેમડેસિવીરની તંગી વચ્ચે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ૫ હજાર જેટલા રેમડેસિવીર ઈન્જેકશન મફત આપવાની જાહેરાત કરી છે. એટલુ જ નહીં, તેઓએ ઓક્સિજન સિલિન્ડરના સ્ટોક પણ હૉસ્પિટલોમા પહોંચાડવાની વાત કરી છે.