સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સ માટે ઝોનદીઠ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે
નવરાત્રી બાદ ર૮ કિલોમીટરના રોડ રીસરફેસ થયાઃરમેશ દેસાઈ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ વિભાગ દ્વારા સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટે રજુ કરવામાં આવેલી દરખાસ્તને સત્તાધારી પાર્ટીએ નામંજુર કરી છે તથા ફરીથી ટેન્ડર જાહેર કરવા માટે સુચના આપવામાં આવી છે.
મ્યુનિસિપલ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ ચેરમેન રમેશભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર સ્ટ્રીટલાઈટોની જાળવણી માટે સીટેલુમ ઈન્ડીછયા પ્રા.લી.નામની કંપનીને માસિક રૂ.૧.૯પ કરોડના ખર્ચથી કોન્ટ્રાક્ટ આપવા માટે લાઈટ ખાતા દ્વારા દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. સદ્દર કંપનીને ર૦૧૪માં પાચ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
જે પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં પણ તેને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ર૦૧૪ થી ર૦૧૯ સુધીના કોન્ટ્રાક્ટ દરમ્યાન સીટેલુમ કંપનની કામગીરી અત્યંત નબળી રહી છે. તથા પોલદીઠ રૂ.રપ ના ભાવથી તમામ ઝોનમાં પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. ર૦૧૪માં સોડીયમ લાઈટ માટે પોલ દીઠ રૂ.૧૧૦ના ભાવ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સોડીયમ લાઈટના સ્થાને એલઈડી લાઈટો લગાવવામાં આવી હતી.
જેમાં મંજુરી વિના જ પોલ દીઠ રૂ.૭૦ અને ડબલ લાઈટમાં રૂ.૧૪૦ના ભાવ આપવામાં આવ્યા છે. નવા ટેન્ડરમાં પાંચ વર્ષ માટે રૂ.૧૧૭ કરોડનો કોન્ટ્રાક્્ટ આપવા માટે વહીવટી તંત્રએ નિર્ણય કર્યો હતો. ર૦૧૪ પહેલાં સ્ટ્રીટ લાઈટની જાળવણી માટે બેથી ત્રણ કંપનીઓને કામ સોંપવામાં આવ્યા હતા. જેના કારણે ફરીયાદોનો તાત્કાલિક નિકાલ થતો હતો. એક જ કંપનીને તમામ સાત ઝોન માટે રૂ.૧૧૭ કરોડ જેટલી માતબર રકમનો કોન્ટ્રાક્ટ આપવો હિતાવહ નથી. તેથી સ્ટ્રીટ લાઈટ મેઈન્ટેનન્સ માટે અલગ અલગ ત્રણથી ચાર કંપનીને કામ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તથા નવા ટેન્ડર પણ આ રીતે જ તૈયાર કરવા માટે સુચના આપવામાં આવી છે.
ચોમાસામાં રોડ રસ્તાના ધોવાણ બાદ ૧૪પ૦૦ જેટલા ખાડા પુરવામાં આવ્યા હતા. ૧પમી ઓક્ટોબર બાદ રોડ રીસરફેસ કરવાના કામો પણ શરૂ કરવામાં આવ્યા છે. તથા અંદાજે ર૮ કિલોમીટરના રોડ રીસરફેસ થઈ ગયા છે. હાલ ૬ થી ૭ જેટલા પેવર ચાલી રહ્યા છે. સામાન્ય દિવસોમાં ૧ર જેટલા પેવર ચલાવવામાં આવે છે. દિવાળીના તહેવારો દરમ્યાન મજુરોની સમસ્યા હોવાથી કામ ઝડપથી થઈ શક્યા નથી. દેવદિવાળી બાદ રોડ રીસરફેસ અને પેચવર્કના કામમાં ઝડપ આવશે એમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.