Western Times News

Gujarati News

સ્ટ્રોમ ડ્રેનેજમાં પડેલો શખ્સ અડધો કિમીનું અંતર કાપી બહાર નિકળ્યો

સુરત, સુરતના પાંડેસરામાં એક અજીબ ઘટના બની છે કે જેમાં એક વ્યક્તિ પાંડેસરામાં આવેલી સ્ટ્રોમ ડ્રેનેજમાં પડ્યો હતો અને અડધો કિલોમીટરનું અંતર કાપીને બહાર નીકળ્યો હતો. શહેરમાં બનેલી આ ઘટનાએ પહેલા તો સૌ કોઈના શ્વાસ અદ્ધર કરી દીધા હતા પરંતુ વ્યક્તિ સહી સલામત બહાર આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

૪૫ વર્ષનો શખ્સ ડ્રેનેજમાં પડ્યો હોવાનું માલુમ પડતા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. અચાનક બનેલી ઘટના બાદ શું કરવું તે લોકોને સમજાતું નહોતું ત્યારે આ ઘટના અંગે સુરત શહેરના ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં ડ્રેનેજમાં પડેલા પડેલા વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

સુરત શહેરના બમરોલી રોડ પર આવેલી આશાપુરા સોસાયટી પાસે આ ઘટના બની હતી. જેમાં વિતીશ નાયક નામનો ૪૫ વર્ષનો શખ્સ ડ્રેનેજમાં પડી ગયા બાદ લોકોના જીવ પડીકે બંધાયા હતા. યુવક ડ્રેનેજમાં પડી ગયો હોવાની માહિતી મળતા ફાયરબ્રિગેડને આપવામાં આવી હતી. જ્યારે બીજી તરફ સ્થાનિકો દ્વારા પણ યુવકની શોધખોળ માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા હતા.

યુવકને ડ્રેનેજની કુંડીમાંથી બહાર કાઢવા માટે સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા ત્યારે માલુમ પડ્યું કે વિતીશ આશાપુરા સોસાયટીની ડ્રેનેજમાં કે જ્યાં પડ્યો હતો ત્યાં નહીં પરંતુ અડધો કિલોમીટરનું અંતર કાપીને સાંઈબાબાનગર સોસાયટી પાસે પહોંચી ગયો છે.

આ યુવકને કુંડીમાંથી સ્થાનિકો દ્વારા સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. એટલે કે આ ઘટનામાં યુવકને બચાવવા માટે ફાયરબ્રિગેડનો કાફલો પહોંચે તે પહેલા જ યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

ડિવિઝનલ ફાયર ઓફિશર ઓમપ્રકાશ મિશ્રાએ જણાવ્યું કે, યુવક બમરોલી રોડ પર આવેલી આશાપુરા સોસાયટીમાં અકસ્માતે પડી ગયો હતો અને તે બહાર ના નીકળી શકતા ત્યાંથી ચાલીને આગળ ગયો હતો, અને તેણે સાંઈબાબાનગર સોસાયટી પાસે બૂમાબૂમ કરતા લોકો તે તરફ દોડ્યા હતા અને વિતીશ નાયકને બહાર કાઢવામાં સ્થાનિકોને સફળતા મળી હતી. ઘટના બાદ યુવકને સારવાર માટે ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.