સ્તનપાન કરાવતી માતાઓ માટે તમામ વેક્સિન સુરક્ષીત : ડો. પોલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Breastfeeding.jpg)
Files Photo
નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ પર જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે પિક પર પહોંચ્યા બાદ હવે મહામારીમાં ઘટાડો થયો છે. દેશના મોટાભાગના જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો જાેવા મળ્યો છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ ૯૬.૯ ટકા છે. તો નીતિ આયોગના સભ્ય ડોક્ટર વીકે પોલે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકસિત મોડર્ના વેક્સિનને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધી ડેલ્ટા વેરિએન્ટના ૫૧ કેસ સામે આવ્યા છે.
દેશમાં હવે ચાર કોરોના વિરોધી વેક્સિન છે. જેમાં કોવૈક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક વી અને મોડર્ના છે. ફાઇઝરની સાથે પણ જલદી કરાર કરી લેવામાં આવશે. આ સાથે ડો. પોલે કહ્યુ કે, આ ચારેય કોરોના વેક્સિન (કોવૈક્સિન, કોવિશીલ્ડ, સ્પુતનિક વી અને મોડર્ના) સ્તનપાન કરાવતી માતાઓ માટે સુરક્ષિત છે. રસીને વંધ્યત્વ સાથે કોઈ લેવાદેવા નથી. જે જિલ્લામાં દરરોજ ૧૦૦થી વધુ કેસ આવી રહ્યાં હતા, ૪ મેએ આવા જિલ્લાની સંખ્યા ૫૩૧ હતી. તો આ સંખ્યા બે જૂને ઘટીને ૨૬૨ રહી ગઈ અને હવે દેશમાં ૧૧૧ જિલ્લા એવા છે, જ્યાં દરરોજ ૧૦૦થી વધુ કેસ સામે આવી રહ્યાં છે.
ભારતમાં રસીકરણ અભિયાનની જાણકારી આપતા સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, દેશમાં ૨૭.૨૭ કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે અને ૫.૮૪ કરોડ લોકોને વેક્સિનનો બીજાે ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.
કોરોનાના રસીકરણ કાર્યક્રમમાં ભારતે અનેક મોટા દેશોને પાછળ છોડી દીધા છે. વૈશ્વિક આંકડાની જાણકારી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, દુનિયામાં કોરોના વેક્સિનના ડોઝ આપવામાં ભારત આગળ છે. અમેરિકાને પાછળ છોડતા ભારતને ૩૨ કરોડના બેંચમાર્ક સુધી પહોંચવામાં ૧૬૩ દિવસ લાગ્યા. તો અમેરિકાને ૧૯૩ દિવસ લાગ્યા હતા.