સ્ત્રીઓ કરતાં ૪૮ લાખથી વધુ પુરૂષોએ વેક્સિન લીધી: અમદાવાદમાં વેક્સિનની અછત

પ્રતિકાત્મક
ગુજરાતમાં ૩.૮૨ કરોડથી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો
અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનું વેક્સિનેશન ઝડપભેર ચાલી રહ્યું છે. વેક્સિનના મામલે ૭૮ ટકા વસ્તીને તેનો પહેલો ડોઝ અપાયો હોઇ ૩.૮૨ કરોડથી વધુ લોકો વેક્સિનનો પહેલો ડોઝ મેળવીને સંભવિત કોરોનાની થર્ડ વેવ સામે સુરક્ષિત બન્યા છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારના આંકડાઓ મુજબ ગુજરાત દેશના અન્ય રાજ્યો જેવા કે કેરળ, મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા કરતાં વેક્સિનેશનમાં આગલ છે. કેરળમાં ૭૩ ટકા, મધ્ય પ્રદેશમાં ૭૩ ટકા, કર્ણાટકમાં ૭૦ ટકા, રાજસ્થાનમાં ૬૭ ટકા, દિલ્હીમાં ૬૧ ટકા અને હરિયાણામાં ૬૦ ટકા વેક્સિનેશન થયુ છે.
અત્યારે મહારાષ્ટ્રમાં મુંબઇ અને નાગપુરમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે એટલે મહારાષ્ટ્ર સરકારે ગણેશ વિસર્જનને લઇને પણ અનેક પ્રતિબંધો લાદ્યા છે, જાેકે મહારાષ્ટ્રમાં ફક્ત ૫૧ ટકા વેક્સિનેશન થયુ છે. જ્યારે પંજાબ, બિહાર, ઝારખંડ, યુપી અને પશ્ચિમ બંગાળમાં તો ૫૦ ટકાથી પણ ઓછું વેક્સિનેશન થયુ છે. પંજાબમાં ૪૭ ટકા, બિહારમાં ૪૬ ટકા, ઝારખંડમાં ૪૫ ટકા, યુપીમાં ૪૩ અને પશ્ચિમ બંગાળમાં માત્ર ૪૨ ટકા વેક્સિનેશન થયું છે. ગુજરાતમાં ૯૮.૫ ટકા લોકોએ સરકારી સેન્ટર પર વેક્સિન લીધી છે, જ્યારે ૧.૫ ટકા લોકોએ ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન મેળવી છે.
કેન્દ્રના કોવિન પોર્ટલના ડેશબોર્ડની વિગતો તપાસતા ગઇકાલ સુધી ગુજરાતમાં ૫.૨૪ કરોડથી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ અથવા તો બીજાે ડોઝ મેળવ્યો છે, જેમાં ૩.૮૨ કરોડથી વધુ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ અને ૧.૪૧ કરોડથી વધુ લોકોએ વેક્સિનનો બીજાે ડોઝ મેળવ્યો છે.
જાેકે ગુજરાતમાં ૨.૮૬ કરોડથી વધુ પુરુષોની સામે માત્ર ૨.૩૭ કરોડથી વધુ સ્ત્રીઓએ વેક્સિન લીધી છે એટલે કે સ્ત્રીઓની સરખામણીમાં ૪૮ લાખથી વધુ પુરુષોએ વેક્સિન લીધી હોઇ આ બાબત ચર્ચાસ્પદ બની છે. દરમિયાન, અમદાવાદમાં ગઇકાલે વેક્સિનની અછત સર્જાઇ હતી. માત્ર ૪,૫૦૦ લોકોને વેક્સિન આપી શકાઇ હતી, જ્યારે આજે પણ વેક્સિનની અછત ઊભી થઇ હોઇ રડ્યા – ખડ્યા સેન્ટર પર બહુ ઓછા લોકોને વેક્સિન આપી શકાશે.