સ્થાનિકોએ રજુઆત કરતા હવેલી પોલીસે દબાણ દૂર કરાવ્યા
વર્ષોથી ગેરકાયદે ચાલતા તવા પર ભીડના પગલે મહિલાઓનું નીકળવુ દુષ્કર બન્યુ હતુ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફ થોડા વખત અગાઉ શહેરમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરીની ઝુબેશ ચાલી હતી એ હાલમાં ઢીલી પડી ગઈ છે. જેના કારણે ઠેર ઠેર લારી ગલ્લાઓ તથા અન્ય ેફેરિયાઓ ફૂટપાથો તથા રસ્તા પર અડ્ડો જમાવીને બેસી ગયા છે. બીજી તરફ શહેરના અતિ ગીચ વિસ્તાર એવા જમાલપુરમાં પોલીસે વર્ષો જૂના દબાણો દૂર કરતા સ્થાનિક રહીશો ખુશ થઈ ગયા છે.
જમાલપુર વિસ્તારમાં કેટલીક જગ્યાએ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો અને આવી રીતે દબાણો કરીને મોડીરાત સુધી ખાણીપીણીના તવા તથા અન્ય ચીજવસ્તુઓનું વેચાણ થતુ હોય છે. આવી જ સમસ્યાથી ગોળલીમડા વિસ્તારના રહીશો વર્ષોથી ત્રસ્ત થઈ ગયા હતા. કેટલીક વખત ઈમરજન્સી સમયે ૧૦૮ તથા ફાયર બ્રિગેડના વાહનોને પણ જવામાં મુશ્કેલીઓ પડતી હતી.
જેના પગલે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે રહીશોએ ગાયકવાડ હવેલી પોલીસ સમક્ષ ઘણીવાર રજુઆત કરી હતી. સ્થાનિકોની સમસ્યા નિવારવા માટે પીઆઈ પરમારે તાત્કાલિક અસરથી પગલાં ભરતા ગોળલીમડા, નાડીયાવાડ, મારૂવાસ, વસંત રજબ ચોકી, સહિતના વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાવ્યા હતા. આ કામગીરી દરમયાન પીઆઈ સહિત પોલીસના ૪ર જવાનો જાડાયા હતા.
પોલીસની કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી. એક રહીશ સાથે વાત કરતાં જાણવા મળ્યુ હતુ કે વર્ષોથી દબાણ કરતા આ ખાણીપીણીના તવા ઉપર અસામાજીક તત્ત્વોના અડ્ડા સમાન બની ગયા હતા. જેના કારણે મહિલાઓને અહીંથી આવવું-જવામાં ભારે તકલીફ પડતી હતી.