સ્થાનિક ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાય છે : નીતિન પટેલ

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના જે જિલ્લાઓની હોસ્પિટલમાં સિટિસ્કેન કે એમ.આર.આઇ. મશીનો નથી, ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે સ્થાનિક ખાનગી રેડિયોલોજિસ્ટ-હોસ્પિટલ સાથે એમ.ઓ.યુ. કરી તેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર સંબંધિત હોસ્પિટલને ચૂકવી આપે છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં સિટિસ્કેન અને એમ.આર.આઇ. મશીનો અંતર્ગત ઉત્તરમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં રેડિયોલોજિસ્ટની ઉપલબ્ધતા પ્રમાણમાં ઓછી હોવાથી સ્થાનિક હોસ્પિટલ સાથે આ વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થામાં મા, મા-વાત્સલ્ય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે
એમ્બ્યુલન્સ સંબંધે નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આરોગ્ય વિભાગે નવી એમ્બ્યુલન્સ માટેની જાેગવાઇ કરી છે. આ આવનાર એમ્બ્યુલન્સ સી.એચ.સી. અને સિવિલ હોસ્પિટલમાં ખૂબ જૂની અને નિયત કિ.મી. પૂર્ણ થયા હોય ત્યાં નવી અપાશે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ડાયાલિસીસ દર્દીઓ માટે ઊભી કરાયેલ વ્યવસ્થા અંતર્ગત જણાવ્યું કે, રાજ્યના મોટા ભાગની સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ડાયાલિસીસ કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાં અંદાજે એક વખતનો રૂા. ૧૫૦૦/- થી ૨૦૦૦/-નો ખર્ચ આવે છે, પણ આપણા ગુજરાત રાજ્યમાં વિનામૂલ્યે ડાયાલિસીસ કરી આપવામાં આવે છે. ઉપરાંત આવવા-જવાનો રૂા.૩૦૦/-નો ખર્ચ પણ દર્દીને આપવામાં આવે છે.