સ્થાનિક પોલીસ ઉંઘતી રહી ને ક્રાઈમબ્રાંચે શાહીબાગમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
રાજસ્થાનથી આવેલો જથ્થો શાહીબાગમાં પહોચાડવાનો હતો |
(પ્રતિનિધિ) અમદાવાદ : રાજયમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતાં બુટલેગરો બેરોકટોક વિદેશી દારૂની માંગને પહોંચી વળવા ગેરકાયદેસર રીતે દારૂના જથ્થા મંગાવી રહયા છે જાકે પોલીસ તંત્ર દ્વારા આવી પ્રવૃતિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે અને ઓપરેશન કરી તેમને જબ્બે કરવામાં આવી રહયા છે ગઈકાલે આવી જ કાર્યવાહી દરમિયાન ક્રાઈમબ્રાંચની ટીમે શાહીબાગ વિસ્તારમાંથી કુલ રૂપિયા સવા લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
ગઈકાલે ક્રાઈમ બ્રાંચની ટીમ શાહીબાગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી એ વખતે બુટલેગર કારમાં દારૂ ભરીને લાવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે ક્રાઈમબ્રાંચની ટીમો છુપાવેશમાં શાહીબાગ સુજાતા ફલેટ ખાતે પહોંચી ગયા હતા.
અઢી વાગ્યાના સુમારે એક ટાટા સફારી કાર દેખાઈ હતી જેને કોર્ડન કરીને ડ્રાઈવર જેઠારામ ચૌધરી (બાડમેર)ને સુજાતા ફલેટ આગળ જ ઝડપી લેવાયો હતો ગાડીની તપાસ કરતા તેમાંથી છસ્સો ઉપરાંતની દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી
જેથી ક્રાઈમબ્રાંચે જેઠારામને પકડીને પોલીસ સ્ટેશને લઈ આવી હતી અને તેની પાસેથી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, કાર તથા અન્ય સામાન મળી કુલ પાંચ લાખની આસપાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ જેઠારામની પુછપરછમાં તેને નાગોર રાજસ્થાનના વિનોદ ઉર્ફે વિષ્ણુએ સમગ્ર દારૂનો જથ્થો આપી અનમોલ ટાવર શાહીબાગ ખાતે પહોંચાડવાનું તેણે કબુલ્યું છે. આ અંગે પોલીસ હવે વિષ્ણુને ઝડપવા સક્રીય થઈ છે.