સ્થાનિક યુવકોને ૮૫ ટકા રોજગારી આપવા સરકાર કટિબદ્ધ : દિલીપ ઠાકોર
જે તે વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક યુવાનોને વર્ષ-૧૯૯૫ના ઠરાવ મુજબ ૮૫ ટકા રોજગારી અપાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ગુજરાતના યુવાનોને મહત્તમ રોજગારી મળી રહે તે હેતુથી ભરતી રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં આવેલ મારૂતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૪૫૩ સુપરવાઇઝરની જગાઓ સામે ૩૪૮ સ્થાનિક લોકોને રોજગારી આપી છે. જ્યારે હીરો હોન્ડા કંપનીમાં ૪૦૮ સુપરવાઇઝરની જગ્યા સામે ૧૫૨ યુવાનોને રોજગારી આપી છે તેમ, વિધાનસભા ગૃહમાં બહેચરાજી તાલુકાના સ્થાનિકોને રોજગારી આપવા અંગે ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, તા.૩૧ માર્ચ-૧૯૯૫ના ગુજરાત સરકારના ઠરાવ મુજબ સ્થાનિકોને ૮૫ ટકા રોજગારી આપવામાં જે લોકો ૧૫ વર્ષ અથવા તેનાથી વધુ સમયથી જે તે વિસ્તારમાં રહેતા હોય તેને આ સ્થાનિકોની વ્યાખ્યામાં સમાવવામાં આવે છે. આ ઠરાવના ભાગરૂપે મહેસાણા જિલ્લાના શંખેશ્વરના ૧૧૦ જેટલા સ્થાનિક યુવાનોની રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમ પણ મંત્રીશ્રીએ ઉમર્યું હતું.