સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉના અને કડીમાં ભગવો લહેરાયો
ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે. આગામી ૨૧ ફેબ્રુઆરી રોજ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. જ્યારે ૨૮ ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા તથા તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે.
ત્યારે રાજ્યમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૨૧૯ બેઠકો પર ભાજપ બિનહરીફ તરીકે વિજેતા થયુ છે. કાૅંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતાં કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપે પાલિકા અને પંચાયતોની ૨૧૯ સીટ પર જીત મેળવી લીધી છે.
નોંધનીય છે કે, ગઇકાલે એટલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો.ત્યારે કાૅંગ્રેસે મેન્ડેટ આપેલા ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા અત્યાર સુધી ભાજપની ૨૧૯ બેઠકો બિનહરીફ બની છે.
આ સાથે મહેસાણા જિલ્લાની કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો વગર ચૂંટણી પહેલા જ લહેરાયો છે. ૩૬ બેઠક પૈકીની ૨૬ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ૨૬ બેઠક બિનહરીફ થઈ હતી અને ભાજપના ઉમેદવાર જીતી ગયા હતા. તેવી જ રીતે ગીર સોમનાથના ઉના નગરપાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલા જ જીત મેળવી લીધી છે. ઉનામાં ૩૬માંથી ૨૧ બેઠકો પર કાૅંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા ભાજપના ઉમેદવારો જીતી ગયા હતા અને ઉના નગરપાલિકા હસ્તગત કરી છે.