સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસના મહા જનસંપર્ક અભિયાનની શરૂઆત
અમદાવાદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ૭ મહાનગર પાલિકાઓ અને જિલ્લા તથા તાલુકા પંચાયતોની આ ચૂંટણીમાં કોંગ્રેસ યુવા અને નવા ઉમેદવારોને ટિકિટ આપશે. માત્ર એટલું જ નહીં, નો રિપીટ થિયરી પણ અપનાવશે.
આ અંગે આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, આવતીકાલથી ૧૦ દિવસનું મહા જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઉમેદવાર પસંદગી પ્રકિયા પૂર્ણ થવાના આરે છે. અમે યુવા ઉમેદવારોની પસંદગી કરીશું. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અપનાવશે.પાર્ટી વિરુદ્ધ કામ કરનારને કોંગ્રેસ ટીકીટ નહીં આપે. તેમજ નવા ચેહરાઓની પસંદગી કરવા પર અમે ભાર મૂકી રહ્યા છીએ.
રાજ્ય સરકાર અમને ધરણાં કરવા મંજૂરી આપતી નથી. જ્યારે સરકારના કાર્યક્રમો થાય છે, જેમાં કોરોનાની ગાઈડલાઇન પણ જળવાતી નથી. સરકારના વલણ સામે અમે અવાજ ઉઠાવીશું. મહા જન સંપર્ક અભિયાનની જાહેરાત દરમિયાન અમિત ચાવડા સાથે હાર્દિક પટેલ પણ ઉપસ્થિત હતો.
આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે. કોંગ્રેસ પક્ષ લોકોના પ્રશ્નોને વાચા આપવા પ્રયાસ કરી રહ્યો છે.
થોડા સમય અગાઉ હેલ્લો અભિયાન હાથ ધર્યું હતું, જેનો લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. લોકોના પ્રશ્નોને સરકાર સાંભળતી નથી. શહેર સહિત ગામડાના લોકોમાં સરકાર સામે અસંતોષ છે. અમારો પ્રયાસ વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો છે.
હવે અમે ઓફ લાઇન કાર્યક્રમ તરફ જઈ રહ્યા છે. મનની વાત બહુ થઈ છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, ૧૮ જાન્યુઆરીથી આખા ગુજરાતમાં મહા જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના ૨૭૦ નેતાઓ રાજ્યના લોકો વચ્ચે જશે. આ જનસપંર્ક અભિયાન દરમિયાન એટલે કે ૨૮ જાન્યુઆરી સુધી લોકોનાં પ્રશ્નો ઉજાગર કરીશું.