સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ૪૭,ર૮ર જેટલા હથિયારો જમા લેવાયા
ચૂંટણી પૂર્વે રાજયમાંથી રૂા.૧.૯૭ કરોડની રોકડ પકડાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ સહીત ૬ મહાનગર પાલિકા, નગરપાલિકા તથા જીલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી આવતીકાલે યોજાવાની છે ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને યોજનાપૂર્વક આ લોકશાહીનો તહેવાર પૂર્ણ થાય એ માટે ગુજરાત પોલીસ સજ્જ થઈ ગઈ છે
અને આ માટે સમગ્ર રાજયમાં ચૂંટણી અગાઉ અસામાજીક તત્વો ગેરકાયદેસર- કાયદેસર હથિયારો ઉપરાંત ચેકીંગ દરમિયાન કેટલાંક વાહનોને પણ ઝડપી લીધા છે ઉપરાંત રવિવારના સમગ્ર કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ચૂંટણી બુથો માટે પોલીસ જવાનોની ગોઠવણ કરી છે.
રવિવારે રાજયની ૬ મહાનગરપાલીકા, ૮૧ નગરપાલિકા, ૩૧ જીલ્લા પંચાયતો અને ર૩૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી યોજાવાની છે ત્યારે રાજય પોલીસ દ્વારા મહાનગરપાલિકામાંથી ૪૭ હજાર તથા સમગ્ર રાજયમાં દોઢ લાખ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ઉપરાંત ૧૪૦૧ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જયારે ૧૮,૧૭પ વોરટની બજવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજયની સરહદે ચાંપતો બંદોબસ્ત કરાતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દિવ-દમણ, દાદરાનગર હવેલીની સરહદો ઉપર કુલ ૯૭ આંતરરાજય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ મ્યુનિસીપાલીટી વિસ્તારમાંથી ૯૩ લાખ રૂપિયાનો તથા પંચાયત વિસ્તારમાંથી ૭ કરોડ ૧૦ લાખ રૂપિયાનો દેશી-વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે જયારે સમગ્ર રાજયમાંથી ૧ કરોડ ૯૭ લાખની રોકડ ઝડપી લેવામાં આવી છે. ઉપરાંત ૧ર.૩૪ કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.