સ્નાન કરતી શ્રમજીવી મહિલાના યુવકે ફોટા પાડયા મહિલાએ ફરિયાદ કરતાં યુવક અને તેના પિતાએ સશસ્ત્ર હુમલો કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: દેશભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉન જાહેર કરાતા પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન પરત જતા રહયા હતા પરંતુ અનલોકમાં છુટછાટો અપાતા ફરી એક વખત ધંધા રોજગાર ધમધમતા થયા છે જેના પરિણામે શ્રમિકો પણ રોજીરોટી મેળવવા પરત આવવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં શ્રમજીવીઓ પરત આવતા કન્સ્ટ્રકશન સાઈટો ઉપરાંત અનેક ધંધાઓ પુનઃ શરૂ થઈ ગયા છે.
આ દરમિયાનમાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક શ્રમિક મહિલા કાપડની આડશ મુકી સ્નાન કરી રહી હતી ત્યારે એક શખ્સે ખાનગીમાં તેના ફોટા પાડતાં મહિલાને જાણ થઈ હતી અને મહિલા આ યુવકના પિતાને ફરિયાદ કરતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રએ આ મહિલા તથા તેની બહેન પર હુમલો કરી ઈજા પહોંચાડતા સનસનાટી મચી ગઈ છે. મહિલાએ આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગોમતીપુરમાં આવેલા ડી-૧૩૦ દવાખાના નજીક આવેલી એક ચાલીમાં રેખાબેન (કાલ્પનિક નામ) પોતાના પરીવાર સાથે રહે છે મંગળવારે સવારે રેખાબેન કપડાના બાથરૂમમાં નહાવા ગયા ત્યારે બાજુમાં જ રહેતો વિજય ચાવડા તેમના મકાનના ધાબા પરથી તેમને જાેતો હતો અને મોબાઈલમાં ફોટા પાડી રહયો હતો રેખાબેન વિજયને જાેઈ જતા તેને ઠપકો આપ્યો હતો.
બાદમાં વિજયે કરેલી હરકત અંગે તેના પિતા ત્રિભોવનભાઈ તથા અજય, જીતેન્દ્ર નામના ભાઈઓને જાણ કરતા તેમણે વિજયને ઠપકો આપવાને બદલે રેખાબેન સાથે ઝઘડો કૃયો હતો અને ત્રણેય ભાઈઓ તથા પિતા રેખાબેનને મારવા લાગતા નજીકમાં જ રહેતી તેમની બેન છોડાવવા વચ્ચે પડી હતી જેને જીતેન્દ્રએ ધારીયુ મારી દેતા હાથમાં ગંભીર ઈજા થઈ હતી.
દરમિયાન બુમાબુમ થતાં ચાલીના રહીશો એકઠા થઈ જતા વિજય તેના પિતા અને ભાઈઓ સાથે રફૂચક્કર થઈ ગયો હતો. બાદમાં રેખાબેને તેમની બહેનની સારવાર કરાવ્યા બાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચારેય વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી મહિલાઓ સાથે ગેર વર્તણુકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી ગયા છે. પોલિસ દ્વારા શી ટીમ તથા મહિલા હેલ્પ લાઈન શરૂ કરવામાં આવી હોવા છતાં આવા બનાવો વારંવાર બની રહ્યા છે, અને મહિલાઓ કેટલાંક કિસ્સાઓમાં ફરિયાદ કરવાનું પણ ટાળી રહી છે.