સ્નેહલ નિમાવતના પુસ્તકો ‘મધુબાલા’ અને ‘મન-અંજુમન’નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/2708-ah-1024x535.jpg)
યુવા સાહિત્યકારો નોંધનીય કાર્ય કરી રહ્યા છેઃ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા
લેખિકા, સમીક્ષક સ્નેહલ નિમાવતા બે પુસ્તકોના લોકાર્પણ સમારોહની તસવીર ડાબેથી બિપીનભાઈ મોદી (ગ્રંથપાલ, માજે પુસ્તકાલય) લેખક અવિનાશ પરીખ, અમિત પંચાલ, હાસ્યલેખક અશોક દવે, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા, લેખક સ્નેહલ નિમાવત સાહિત્યકાર નટવર ગોહેલ, દિનેશભાઈ લોહિયા તથા દર્શનભાઈ પટેલ વિગેરે નજરે પડે છે.
અમદાવાદ, ‘વેસ્ટર્ન ટાઈમ્સ’ની પરિમલ પૂર્તિના જાણીતા કોલમકાર લેખક, આસ્વાદકાર સ્નેહલ નિમાવતના બે પુસ્તકો ‘મધુબાલા’ અને ‘મન-અંજુમન’નો લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં મા.જે. પુસ્તકાલય ખાતે સાહિત્યકાર અને પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા (અધ્યક્ષ, ગુજરાત સાહિત્ય અકાદમી)ના હસ્તે સંપન્ન થયો.
સમારોહના મુખ્ય મહેમાન પદે હાસ્યલેખક અશોક દવે, સાહિત્યકાર નટવર ગોહેલ, અવિનાશ પરીખ તથા ગ્રંથપાલ બિપીનભાઈ મોદી ઉપસ્થિત હતા. આરંભે કુંજલ શ્રીમાળીએ પ્રાર્થના રજૂ કરી. વિષ્ણુભાઈ પંડ્યા તથા અન્ય મહેમાનોનું પુષ્પછોડ આપી સન્માન કરાયું હતું.
વિષ્ણુભાઈએ તેમના વકતવ્યમાં જણાવ્યું કે મને આપના સમયના યુવા સાહિત્યકારો પ્રત્યે વિશેષ લાગણી રહી છે. એમને વધુમાં ઉમેર્યું કે બહેન સ્નેહલ દ્વારા લખાયેલ બન્ને પુસ્તકો સારા અને ઉમદાં બન્યા છે. એમાયે ઓટોબાયોગ્રાફીના પુસ્તકો લખવા મહદઅંશે કઠિન હોય છે.
એમણે નૂતન, નરગીસ સહિતની જૂની અભિનેત્રીઓને યાદ કરી એ સમયકાળના ચિત્રો પર પ્રકાશ પાથર્યો હતો. હાસ્ય લેખક અશોક દવેએ ઓટોગ્રાફીના પુસ્તકોના મુદ્દે છણાવટ કરી હતી અને જૂના સ્મરણો તાજા કર્યા હતા. આ પ્રસંગે લાયન્સ કલબના અગ્રણી દિનેશભાઈ લોહિયા, સંદોહા પ્રકાશનના અમિતભાઈ પંચાલ, પર્યાવરણ મિત્ર દર્શન પટેલ, લેખક અવિનાશ પરીખ વિગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
લેખક સ્નેહલ નિમાવતે નટવર ગોહેલ સહિતના ગુરૂજનોના સહકારનું સ્મરણ કરી પોતાનો પ્રતિભાવ પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમમાં આદર્શ- અમોલ સ્મૃતિ પ્રતિક દરેક મહાનુભાવોને આપી સન્માન કરાયું. જાણીતા કવિ એવા શૈલેષભાઈ પંડ્યા “ભીનાશ” સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.