સ્પષ્ટવક્તા સુખી હોઈ શકે!
આ જગતમાં વિવિધ પ્રકૃતિ ધરાવનાર માનવીઓની વસ્તી આપણી ચારે બાજુ ફેલાયેલી છે. અમુક માનવીઓની પ્રકૃતિ શરમાળ હોય છે તો કોઈ વ્યકતિ સ્વભાવે પરિપક્વ હોવાથી જરૂર પૂરતું જ બોલતાં હોય છે તો અમુક લોકો આખાબોલા હોય છે. આવા સ્વભાવ ધરાવનારની અસર સામે વાળી વ્યક્તિ પર જુદી જુદી પડતી હોય છે.
સ્પષ્ટ વક્તાઓ અમુક વખત વધારે પડતું ચોખ્ખું કરવા જતા પોતે પોતાનાં પગ પર જ કુહાડી મારતા હોય છે. ચક્ષુહીન માનવીને આંધળો કે કાણાને કાણો ન કહેવાય પરંતુ સ્પષ્ટવક્તા બોલીને મનદુઃખ પંહોચાડવામાં કસર છોડતા નથી.
સાચેસાચું કહેવું તે જરી પણ ખોટું નથી પરંતુ એ જ વાત હળવાશથી કહેવાતા પોતાનું કામ પણ સચવાઈ જાય છે તથા જે કહેવાનું હોય છે તે કહેવાઇ પણ જાય છે. સમાજમાં સ્પષ્ટવક્તાઓને કતરાતી નજરથી જોતાં હોય છે તો અમુક લોકો તેઓની જોડે હળતા મળતાં પણ અચકાતા હોય છે.તેઓ આખાબોલા સ્વભાવવાળી વ્યક્તિઓથી થોડે દૂર રહેવામાં જ પોતાનું સ્વમાન માનતા હોય છે.
સ્પષ્ટીકરણ કરવાથી નુકસાન થતું નથી પરંતુ કહેવાની રીત પર ઘણો મોટો આધાર રહેતો હોય છે.
સ્પષ્ટ વક્તા હર હંમેશ દિલના ચોખ્ખા હોય છે. તેઓના પેટમાં કોઇ પાપ હોતું નથી કે તેઓને ગોળ ગોળ વાત કરવી ગમતી નથી કે આવડતું નથી.
શ્રી નરેન્દ્ર મોદી, શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી સુભાષચંદ્ર બોઝ કે ઋતુંભરા જેવા સ્પષ્ટ કન્યાઓની આજે પણ લોકો કદર કરી જાણે છે.
અમુક વખત સ્પષ્ટીકરણ કરતા સ્પષ્ટવક્તાઓ વધારે પડતું ચોખ્ખું કરવા જતાં અર્થનો અનર્થ થઇ જતાં વાર લાગતી નથી જેથી જ્યાં જેટલી જરૂર પડે ત્યાં જ તેટલી સ્પષ્ટતાથી વાત કરવી જોઇએ.
કહે શ્રેણુ આજ
નથી જરૂર તારા ખુલાસાની હરઘડી લોકોને,
તો કરે છે શું કામ તું ચોખવટ, બધી વાતોની.
કહીને બધી વાત તું સીધે સીધી, દિલ દુભાવીને લોકોનાં,
બની જાશે અળખામણો તું, કરીને સ્પષ્ટતા બધી વાતોની.
આખાબોલા સ્વભાવવાળી વ્યક્તિના પેટમાં પાપ હોતું નથી પરંતુ તેઓના સ્વભાવમાં તેમનાથી વિરૂધ્ધનું કે કાંઇ પણ ખોટુ સહન ન થતાં તડ અને પડે કહીને પોતે પોતાનો અહમ પોષતા હોય છે.આખાબોલા સ્વભાવવાળી વ્યક્તિ પોતે પણ કોઇના તરફથી સ્પષ્ટકરણવાળા કથન સમજવામાં કે સાંભળવામાં દુઃખ પામવું ન જોઇએ.