‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દિવ્યાંગ ખેલાડીઓ માટે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’નું આયોજન
‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશભરના એક લાખથી વધુ દિવ્યાંગોનું હેલ્થ ચેકઅપ કરવા બદલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પેશિયલ સર્ટિફિકેટ પણ એનાયત
અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની સંસ્થા ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત અમદાવાદના નમો સ્ટેડિયમ ખાતે માનસિક દિવ્યાંગ બાળ તેમજ પુખ્ત વયના રમતવીરો માટે ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’નું આયોજન થયું હતું.
આ અવસરે સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશભરના એક લાખથી વધુ દિવ્યાંગોનું હેલ્થ ચેકઅપ કરવા બદલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્પેશિયલ સર્ટિફિકેટ પણ એનાયત થયું હતું.
આ આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી જણાવ્યું કે આઝાદીના 75 વર્ષ નિમિત્ત સ્પેશ્યલ ઓલમ્પિક્સ ભારત દ્વારા દેશભરના દિવ્યાંગો માટે હેલ્થ ચેકઅપનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ખરેખર પ્રશંસનીય અને સરાહનીય છે.
રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, વિકલાંગો માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગ શબ્દ આપીને તેમને સમાજમાં એક સન્માનજનક નામ આપ્યું છે, આ શબ્દથી માત્ર ભારતના જ નહીં પણ દેશ-દુનિયાના લાખો દિવ્યાંગોને મોટું બળ મળ્યું છે.
આ અવસરે રાજ્યપાલશ્રીએ આ મિશનને વધુમાં વધુ વેગવંતુ બનાવવા પણ સૌને અપીલ કરી હતી.
આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, આજનો આ કાર્યક્રમ યુનિક અને પ્રેરણાદાયી છે કેમ કે સમાજના સ્વસ્થ લોકોનું હેલ્થ ચેકઅપ વારંવાર થતું હોય છે પણ મનોદિવ્યાંગ માટે આટલો મોટો કાર્યક્રમ થયો ખરેખર એક સરાહનીય છે.
મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે , દિવ્યાંગ રમતવીરોને પ્રોત્સાહન મળે, ખેલક્ષેત્રમાં આગળ વધે એ હેતુથી ‘રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન’હેઠળ ‘સ્પેશ્યલ ઓલિમ્પિક્સ ભારત’ દ્વારા દેશના ૭૫ શહેરોમાં ૭૫,૦૦૦ ખેલાડીઓને ૭૫૦૦ નિષ્ણાંત તબીબો હેલ્થ ચેકઅપ અને સારવાર આપવામાં આવી છે, ત્યારે દેશના ચુનીંદા કેન્દ્રોમાં અમદાવાદ અને સુરત સુરત શહેરનો સમાવેશ કરવા બદલ રમતગમત મંત્રાલયનો આભાર પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મનોદિવ્યાંગ માટે આ કાર્યક્રમ એક આશીર્વાદરૂપ પણ સાબિત થવાનો છે અને સ્પેશિયલ ઓલમ્પિક ભારત દ્વારા આ દિશામાં એક નવો રાહ પણ ચીંધ્યો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ડિજિટલ ઇન્ડિયાની મુહિમને સાકાર કરવા માટે મનોદિવ્યાંગની નોંધણી માટે સ્વદેશી મોબાઇલ એપ્લિકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આમ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં આ એક સરાહનીય પગલું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં દિવ્યાંગ ભાઇ-બહેન કોઇ સહાયથી વંચિત ન રહે એના માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે આપણે થોડા સમય પહેલા ૧૧મો ખેલ મહાકુંભનો પણ પ્રારંભ કર્યો છે. રાજ્ય સરકાર વિજેતા ખેલાડીઓને વિવિધ પુરસ્કારો આપીને પણ તેમને પ્રોત્સાહિત કરી રહી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું
ગુજરાત સરકારે સ્પોર્ટ પોલીસી લાવીને પણ રમત ગમત ક્ષેત્રમાં એક નવું સોપાન સર કર્યું છે અને આ સ્પોર્ટ્સ પોલીસ થકી અનેક ખેલાડીઓને આવનારા સમયમાં લાભ મળવાનો છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો
ધારાસભ્યશ્રી રાકેશભાઈ શાહે જણાવ્યું કે, ‘રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઉત્સવ-વી કેર’ એ દિવ્યાંગજનો માટે સંવેદનશીલ પહેલ બની છે. દેશના ૭૫૦ સ્પોર્ટ્સ સેન્ટરોમાં દિવ્યાંગ ખેલાડીઓનું કૌશલ્યવર્ધન કરી તાલીમ પણ આપવામાં આવી રહી છે.
સ્પેશિયલ ઓલમ્પિકના ચેરપર્સન શ્રી ડૉ. મલ્લિકા નડ્ડાએ કહ્યું કે, આ કાર્યક્રમ થકી દિવ્યાંગો પણ આઝાદીના અમૃત મહોત્સવના ભાગીદાર બન્યા છે એ બદલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે વિવિધ સ્પર્ધાઓ બંધ રહેવાથી રમતગત ક્ષેત્ર અને રમતવીરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધાર આવ્યો છે, ત્યારે દિવ્યાંગજનોને ફરી ઊર્જા અને સ્ફૂર્તિ સાથે પુન: રમતના મેદાનો પર પાછા લાવવા, બૌદ્ધિક દિવ્યાંગ ખેલાડીઓને નવી ઊર્જા પૂરી પાડી તેમની પ્રતિભાને ખીલવવા માટે દેશભરમાં હાઈક્વોલિટી હેલ્થ સ્ક્રિનીંગ પ્રોજેક્ટ હાથ ધરી ‘રિટર્ન ટુ પ્લે-ઈનક્લ્યુઝન રિવોલ્યુશન’ની ઉમદા પહેલ કરવામાં આવી છે.
દેશવ્યાપી હેલ્થ કેમ્પોના કારણે ગિનીઝ બૂક ઓફ રેકોર્ડ્સ, લિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ, અને એશિયા બૂક ઓફ રેકોર્ડ્સ જેવા ત્રણ વિશ્વ રેકોર્ડ સર્જાયા હતાં. દેશના કુલ ૭૫ સેન્ટરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદ એમ બે સેન્ટરોનો સમાવેશ કરાયો છે. આ બે શહેરોમાંથી કુલ ૧૦,૦૦૦ ખેલાડીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાના રમત ગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ ભાઈ પટેલ, સ્પેશિયલ ઓલમ્પિકના ચેરપર્સન શ્રી ડૉ. મલ્લિકા નડ્ડા, અમેરિકન ઈકોનોમિસ્ટ શ્રીમતી સોનલ શાહ, ઓલિમ્પિયન શ્રી બબીતા ફોગાટ સહિત દિવ્યાંગ રમતવીરો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.