સ્પોન્જ આયર્ન એકમો પાસે માત્ર 10 દિવસનો કોલ સ્ટોક બચ્યો

નવી દિલ્હી, દેશમાં હાલ કોલસાની અછતની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે અને તેનાથી માત્ર વીજ ક્ષેત્ર જ નહીં પણ સ્પોન્જ આયર્ન સહિત વિવિધ ઉદ્યોગો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
છત્તીસગઢ સ્પોન્જ આયર્ન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, દેશમાં સ્પોન્જ આયર્નનું ઉત્પાદન કરતા 450 ડાયરેક્ટ રિડ્ડ આયર્ન એકમોમાંથી 105 છત્તીસગઢમાં આવેલા છે. સામાન્ય રીતે 60 દિવસની સરખામણીમાં તમામ એકમો પાસે માત્ર 10 દિવસનો જ સ્ટોક હોય છે. દેશના અન્ય રાજ્યોમાં આવેલા સ્પોન્જ આયર્ન એકમોની પણ સ્થિતિ વધુ સારી નથી.
ભારતની સ્પોન્જ આયર્ન ક્ષમતા હાલમાં વાર્ષિક 350 લાખ ટન છે જેમાંથી 160 લાખ ટન છત્તીસગઢમાં ઉત્પન્ન થાય છે. સ્પોન્જ આયર્નનો ઉપયોગ મુખ્યત્વે સેકન્ડરી સેક્ટરના સ્ટીલ ઉત્પાદકો દ્વારા ઇન્ડક્શન અથવા ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસમાં ઇંગોટ્સ અને બીલેટ્સ બનાવવા માટે થાય છે.
એક ટન સ્પોન્જ આયર્ન બનાવવા માટે 1.65 ટન કોલસો વપરાય છે. તેમણે જણાવ્યુ કે, કોલ ઇન્ડિયા દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રોને વધારે કોલસો ફાળવવો જોઈએ.