સ્મશાનમાં લાકડાં ખૂટી જતાં ઝાડ કાપી લાકડા ભેગા કર્યા
ઓલપાડમાં આવેલા સ્મશાનમાં સુરત તેમજ આજુબાજુના ગામોથી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હોય છે
સુરત, સુરત નજીકના ઓલપાડમાં આવેલા સ્મશાનમાં સુરત તેમજ આજુબાજુના ગામોથી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હોવાથી મૃતદહોની સંખ્યામાં વધારો થતા લાકડાની અછત સર્જાઈ છે. આ અછતને દુર કરવા માટે ગામડાના યુવાનોએ એક સંપ કરીને ખેતરમાં સુકા વૃક્ષો શોધીને તેને કાપીને લાકડા ભેગા કર્યા હતા.
સુરત નજીકના ઓલપાડના સ્મશાનના ટ્રસ્ટીઓ અને યુવાનોએ સ્મશાનના લાકડા માટે કરેલો સેવા યજ્ઞ અન્ય લોકો માટે ઉદાહરણરૂપ બની રહ્યો છે. કોરોનાના કેસ ગામડાંમાં ન વધે તે માટે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સ્વયંભુ ત્રણ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું. તેને અભુતપુર્વ પ્રતિભાવ મળ્યો હતો.
ઓલપાડની આ એકતાના કારણે કોરોના સામેની લડાઇ વધુ મજબુત બની રહી છે. ઓલપાડના સ્મશાનમાં હાલમાં સુરત તથા આજુબાજુના ગામોથી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતાં હોવાથી ઓલપાડના સ્મશાનમાં લાકડાની અછત સર્જાઇ રહી છે. લાકડાના વેપારીઓને પણ ઓર્ડર આપવામાં આવે તો દસથી પંદર દિવસનો સમય જાય છે અને લીલા લાકડા પણ ખૂબ આવી રહ્યા છે.
ઓલપાડના સ્મશાનમાં લાકડાની અછત નિવારવા માટે સ્મશાનના ટ્રસ્ટીઓ અને યુવાનોએ અનોખો પ્રયોગ કર્યો છે અને તેમા સફળતા મળી છે. ઓલપાડની આસપાસના ગામોના ખેતર કે ફોર્મ હાઉસમાં અનેક વૃક્ષો સુકા થઇ ગયાં છે તેને કાપવાની જરૂર હતી.
સ્મશાનના ટ્રસ્ટીઓએ ખેડૂત અને ફાર્મ હાઉસના માલિકો સાથે ચર્ચા કરીને વૃક્ષ કાપવાની મંજુરી મેળવી હતી. બસ આ વાત ઓલપાડના યુવાનોને ખબર પડી અને ઓલપાડના યુવાનો ભેગા થઇ ગયાં હતા. કોઇએ પોતાનું ટ્રેકટર આપ્યું તો કોઇએ ઝાડ કાપવાનું મશીન, તો કોઇ કુહાડી રે અન્ય સાધનો. ગામના યુવાનો ભેગા થઇ ગયાં અને જે લોકોએ પોતાના ખેતરમાંથી સુકાયેલા ઝાડ કાપવાની મંજૂરી આપી હતી ત્યાં પહોંચી ઝાડ કાપીને ટ્રેકટરમાં ભરીને ઓલપાડ સ્મશાન ખાતે લઇ આવ્યા.
કેટલાક ખેડુતોએ પોતાના ખેતરમાં સુકાયેલા વૃક્ષનું અનોખું દાન કરવાનું શરૂ કરતાં અન્ય ખેડુતોએ પોતાના ખેતરના સુકા ઝાડ કાપવાની તૈયારી બતાવી છે. આમ ઓલપાડ સ્મશાનના ટ્રસ્ટીઓ અને યુવાનોએ અનોખી પહેલ કરીને સ્મશાન માટે લાકડા મેળવવાનું શરૂ કર્યું છે.